
રીપોર્ટ, રાવ વિજેન્દ્ર યાદવ- કમલમ ન્યૂઝ,ગોધરા
ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળની જાહેરાત ક્રમાંક:-૧૨/૨૦૨૧-૨૨ જુનીયર કલાર્ક (વહીવટ/હિસાબ) સંવર્ગની સ્પર્ધાત્મક પરીક્ષાના આયોજનને લઈને પંચમહાલ જિલ્લા કલેકટરશ્રી આશિષ કુમારની અધ્યક્ષતામાં ગોધરા કલેકટર કચેરી સભાખંડ ખાતે પ્રેસ કોન્ફરન્સ યોજાઈ હતી.
આગામી ૯ એપ્રિલના રોજ યોજાનાર સ્પર્ધાત્મક પરીક્ષાનું સુચારૂ આયોજન થાય તે અર્થે જિલ્લા કલેકટરશ્રીએ મીડિયાકર્મી મિત્રોને ગુજરાત જાહેર પરીક્ષા (ગેરરીતિ અટકાવવા બાબત) વિધેયકની માહિતી પૂરી પાડી હતી.
જેમાં રાજ્ય સરકારે,પરીક્ષામાં થતી ગેરરીતિ પર નિયત્રંણ લાવવા માટે અને સામાન્ય લોકોનો વિશ્વાસ મેળવવા અને ટકાવી રાખવા તેમજ જાહેર ભરતી પરીક્ષામાં બિન- વિવાદાસ્પદ વિશ્વસનીયતા સુનિશ્ચિત કરવા માટે સરકારશ્રી દ્વારા ગુજરાત જાહેર પરીક્ષા (ગેરરીતિ અટકાવવા બાબત) વિધેયક: ૨૦૨૩ બહાર પાડવામાં આવેલ છે.
જેમાં વિધેયકની કલમ-૧૨(૪) મુજબ સંગઠિત ગુનો કરતી કોઇ વ્યક્તિ,પરીક્ષા સત્તામંડળ સાથે કાવતરું કરીને અથવા ગેરરીતિ આચરે અથવા આચરવાનો પ્રયત્ન કરે તો તે વ્યક્તિને સાત(૭) વર્ષથી ઓછી નહી અને વધુમાં વધુ દશ(૧૦) વર્ષની શિક્ષા થશે અને એક કરોડ રૂપિયાથી ઓછી નહિ તેટલી દંડની શિક્ષાને પાત્ર થશે.અને દંડની ચુકવણીમાં ચુક થાય તો આવી વ્યક્તિને ફોજદારી કાર્યરીતિ અધિનિયમ ૧૯૭૩ની જોગવાઇ અનુસાર કેદની શિક્ષાને પાત્ર થશે

સદરહુ વિધેયકમાં કલમ-૪ મુજબ જાહેર પરિક્ષા દરમિયાન પરીક્ષાર્થી/ઉમેદવારે મેળવેલી અનઅધિકૃત મદદ માટે દોષિત થાય તો કલમ-૧૨(૧) મુજબ ગેરરીતિ આચનાર કોઇ પરીક્ષાર્થી ત્રણ વર્ષ સુધી કેદની શિક્ષા અને એક લાખ રૂપિયા દંડની જોગવાઇ કરવામા આવેલ છે. અને દંડની ચુકવણીમાં ચુક થાય તો આવી વ્યક્તિને ફોજદારી કાર્યરીતિ અધિનિયમ ૧૯૭૩ની જોગવાઇ અનુસાર કેદની શિક્ષાને પાત્ર થશે તેમજ કલમ-૧૩ મુજબ જે પરીક્ષાર્થી ગુનામાં દોષિત ઠર્યો હોય તેને કોઈપણ જાહેર પરીક્ષામાંથી બે વર્ષની મુદત માટે બાકાત રાખવામાં આવશે.
સદરહુ વિધેયકની કલમ-૧૦ મુજબ વ્યવસ્થાપક મંડળ/ સંસ્થા અથવા અન્ય ધ્વારા કરવામાં આવતા પરીક્ષા સંબંધિત ગુના માટે દોષિત થાય તો કલમ-૧૫ મુજબ જાહેર પરીક્ષાને લગતો તમામ ખર્ચ અને નાણાં ચુકવવા માટે જવાબદાર થશે અને તેને કાયમ માટે પ્રતિબંધિત કરવામાં આવશે તેમ જણાવ્યું હતું.