
આણંદ જિલ્લા કલેક્ટર શ્રી ડી.એસ. ગઢવીના અધ્યક્ષસ્થાને આણંદ સર્કિટ હાઉસ ખાતે જિલ્લા સંકલન અને ફરિયાદ સમિતિની બેઠક યોજાઈ હતી.
રિપોર્ટ : બીના પટેલ

જિલ્લા સંકલન અને ફરિયાદ સમિતિની આ બેઠકમાં ગુજરાત વિધાનસભાના નાયબ મુખ્ય દંડક શ્રી રમણભાઈ સોલંકી, સાંસદશ્રી મિતેષભાઇ પટેલ, જિલ્લા પંચાયત પ્રમુખ શ્રીમતી હંસાબેન પરમાર, ધારાસભ્યો સર્વશ્રી વિપુલભાઈ પટેલ, યોગેશભાઈ પટેલ અને શ્રી કમલેશભાઈ પટેલે ઉપસ્થિત રહીને જનતાના પ્રશ્નો અને સમસ્યાઓની રજૂઆત કરી હતી.
આ બેઠકમાં કલેક્ટરશ્રીએ જનપ્રતિનિધિઓ સમક્ષ વિવિધ વિભાગોના સબંધિત અધિકારીશ્રીઓ દ્વારા કરવામાં આવેલી વિકાસલક્ષી કામગીરીની રૂપરેખા રજૂ કરી હતી, તેમજ તંત્ર દ્વારા પાઠવવામાં આવેલા પ્રશ્નોની વિગતો પુરી પાડી હતી. ધારાસભ્યશ્રીઓ દ્વારા રજૂ કરવામાં આવેલા પ્રશ્નો પર વિશેષ ભાર આપી પરસ્પર સંકલન અને વ્યવહારુ અભિગમ અપનાવી બાકી રહેલ કામગીરીને એકબીજાના વિભાગો સાથે સંકલન કરી ઝડપથી પૂર્ણ કરવા તાકિદ કરી હતી. વધુમાં કલેક્ટરશ્રીએ જિલ્લામાં યોજાનાર સ્વાગત સપ્તાહ કાર્યક્રમની પુર્વ તૈયારીઓ અંગે સંલગ્ન અધિકારીઓને જરૂરી સૂચનો કરી વિવિધ વિભાગો સાથે સંકલનમાં રહીને જિલ્લામાં તાલુકા અને જિલ્લા સ્વાગત કાર્યક્રમને સફળ બનાવવા તેમજ જિલ્લામાં વહીવટ સરળ અને ઝડપી બને તે માટે માર્ગદર્શન પૂરું પાડ્યું હતું.
સંકલન સમિતિની બેઠકમાં જિલ્લા પોલિસ અધિક્ષકશ્રી પ્રવીણકુમાર, નિવાસી અધિક કલેકટર શ્રીમતી કેતકી વ્યાસ, જિલ્લા ગ્રામ વિકાસ વિભાગના નિયામકશ્રી જે.વી. દેસાઈ, જિલ્લા આયોજન અધિકારીશ્રી, પ્રાંત અધિકારીશ્રીઓ તેમજ સંબંધિત વિભાગના અમલીકરણ અધિકારીશ્રીઓ હાજર રહ્યાં હતાં.
સંકલનની બેઠક બાદ કાયદો અને વ્યવસ્થા તથા ડિસ્ટ્રીક્ટ રોડ સેફ્ટી અંગેની બેઠક મળી હતી. જેમાં પોલીસ અધિકારીઓ સહિત આરટીઓ અધિકારી અને સબંધિત અધિકારીઓએ ઉપસ્થિત રહીને ચર્ચા કરી હતી.
