હજારો સાધકોની ઉપસ્થિતિમાં ગુજરાત સમર્પણ આશ્રમ ખાતે પૂર્ણિમા દર્શન શિબિર યોજાઈ


મહુડી તારીખ ૦૭/૦૫/૨૦૨૩ને રવિવારના રોજ હિમાલયન ધ્યાનયોગની પૂર્ણિમા દર્શન શિબિર મહર્ષિ શ્રી શિવકૃપાનંદ સ્વામીજીના સાંનિધ્યમાં વિવિધ રાજ્યોમાંથી પધારેલ હજારો સાધકો ઉપસ્થિતિમાં યોજાઈ હતી. શિબિરની શરૂઆત શ્રી શિવકૃપાનંદ સ્વામી ફાઉન્ડેશનના ડાયરેક્ટર શ્રી અમ્બરીષભાઈ, શ્રી મહેશભાઈ પટેલ તથા વેસ્ટ બંગાળના ડી.જી.પી. શ્રી રાનડે સર દ્વારા દીપ પ્રાગટ્યથી કરવામાં આવી હતી. નેસ્ટ સ્કૂલ ઓફ કથક, ભાવનગરની નૃત્ય વિશારદ નૃત્યાંગના દ્વારા દશાવતાર પર એક સુંદર કૃતિ પ્રસ્તુત થઈ. એમના પ્રવચનમાં પૂજ્ય ગુરુમા દ્વારા લગ્નજીવન અંગે પ્રેરક પ્રસંગ દ્વારા સરળ ભાષામાં જ્ઞાન આપવામાં આવ્યું હતું. આ પ્રસંગે હિમાલયના મહર્ષિ શ્રી શિવકૃપાનંદ સ્વામીજીના ચૈતન્યસભર પ્રવચનનો લાભ મળ્યો હતો. સાધકોને નિદ્રા અને મૃત્યુ વચ્ચે સામ્યતા, નિઃસ્વાર્થ પ્રેમથી આત્માની નજીક જવું, અનુભૂતિના જ્ઞાનને વધારેમાં વધારે વહેંચવું, ઈચ્છા ઉપર કાબુ રાખવો, ઘણીવાર નાની નાની ઈચ્છા પણ પુનર્જન્મ માટે નિમિત્ત બનતી હોય છે વગેરે વિષયો ઉપર સવિસ્તાર સમજાવવાની સાથે સાથે એમના દ્વારા લખવામાં આવી રહેલ ઓરાશાસ્ત્ર ગ્રંથ પરના એમના અધ્યયનની વાત કરી હતી.
દરરોજ 30 મિનિટ સ્વયં માટે કાઢી મૈં એક પવિત્ર આત્મા હૂં, મૈં એક શુદ્ધ આત્મા હૂં એવા ભાવ સાથે નિયમિત ધ્યાન કરવું જોઈએ અને બ્રાહ્મમુહૂર્તમાં ધ્યાન કરવાના અનેક ફાયદાઓ વિશે જણાવ્યું હતું.
આ પ્રસંગે ગુરુદેવ અને ગુરુમાના લગ્નજીવનને 40 વર્ષ પૂર્ણ થતાં હોવાથી સાધકો દ્વારા એમનું પ્રસાદી વડે તુલાદાન કરવામાં આવ્યું હતું અને ઉપસ્થિત લોકોને એ પ્રસાદનું વિતરણ કરવામાં આવ્યું તથા કેક કાપીને આ પ્રસંગની ઉજવણી કરવામાં આવી હતી.
શિબિરનું લાઈવ પ્રસારણ યુટ્યુબ ચેનલ ગુરુતત્ત્વ પર કરવામાં આવ્યું હતું, જેમાં ઈંગ્લીશમાં અનુવાદ સાથેના લાઈવ પ્રસારણનો વિદેશમાં વસતા સાધકોએ પણ લાભ લીધો હતો.