ડાંગ જિલ્લા વહીવટી તંત્રનો સંવેદનશીલ અભિગમ

જિલ્લામા અલગ અલગ બે જગ્યાએ થયેલા અકસ્માતમાં ઇજા પામેલા લોકોને કલેકટર શ્રી મહેશ પટેલે રૂબરૂ મળી સાંત્વના પાઠવી તમામ સહયોગની ખાત્રી આપી

રિપોર્ટ ડાંગ અમરનાથ જગતાપ*

છેવાડાના સામાન્ય માનવીઓ પ્રત્યે પણ ભારોભાર સંવેદના ધરાવતા ડાંગ કલેક્ટર શ્રી મહેશ પટેલે, જુદા જુદા બે માર્ગ અકસ્માતોમાં ઇજા પામેલા વ્યક્તિઓ તથા તેમના પરિવારજનોની સિવિલ હોસ્પિટલ ખાતે રૂબરૂ મુલાકાત લઈ, તમામ મદદ અને સહયોગની ખાત્રી આપી હતી.

આજે વહેલી સવારે આહવાની સિવિલ હોસ્પિટલમાં સારવાર લઈ રહેલા, અને ગઈ કાલે ચિંચલી બાબુલઘાટમા ટેમ્પાને તેમજ મોડી રાત્રે સાપુતારા ઘાટ માર્ગમાં લકઝરી બસને નડેલા અકસ્માતના ઇજાગ્રસ્તો, તથા તેમના પરિવારોને રૂબરૂ મળવા પોતાના ચુનંદા અધિકારીઓ સાથે ધસી ગયેલા કલેકટરશ્રીએ, બનેલા બનાવની તલસ્પર્શી વિગતો મેળવી, અસરગ્રસ્તોને તમામ સહયોગની ખાત્રી આપી સિવિલ સત્તાવાળાઓને જરૂરી માર્ગદર્શન પૂરું પાડ્યું હતું.

આ વેળા કલેકટર શ્રી મહેશ પટેલની સાથે ડિઝાસ્ટર મામલતદાર શ્રી અર્જુનસિંહજી ચાવડા સહિત સિવિલના આર.એમ.ઓશ્રી ડો.રિતેશ બ્રહ્મભટ્ટ, અધિક જિલ્લા આરોગ્ય અધિકારીશ્રી ડો.હિમાંશુ ગામિત વિગેરે ઉપસ્થિત રહ્યા હતા.

ઉલ્લેખનીય છે કે, તા.૯/૫/૨૦૨૩ ના રોજ આશરે ૫-૩૦ કલાકે આહવા તાલુકાના ચિંચલી ગામે ચિંચલીથી મહારાષ્ટ્ર જતા રસ્તા પર મોટા દેવ દર્શન કરવા માટે આવેલ દર્શનાર્થીઓનો ટેમ્પો MH 04 EB 3291મા સવાર થઇને તેઓના વતન મહારાષ્ટ્ર પરત થતી વેળાએ ચિંચલી બાબુલઘાટ નજીક ટેમ્પો પલ્ટી ગયો હતો. જેમા અંદાજીત ૧૦-૧૫ વ્યક્તીઓ સવાર હતા. જે પૈકી ૨-૩ લોકોને ગંભીર તેમજ અન્ય વ્યક્તિઓને સામાન્ય ઇજાઓ પહોંચી હતી. જેઓને આહવા હોસ્પિટલ ખાતે લાવવામા આવ્યા હતા. આ ઉંપરાત મોડી રાત્રીના આશરે ૧-૩૦ કલાકે એટલે કે તા.૧૦/૫/૨૦૨૩ના રોજ આહવા તાલુકાના માલેગામ ગામે સાપુતારાના ઘાટ માર્ગમાં (ફોરેસ્ટ રેસ્ટ હાઉસથી ઉપર આવેલ રોડના વળાંકમાં) ખાનગી લક્ઝરી બસ નં. GJ 01 CT 9279 ની બ્રેક ફેઇલ થઇ જતા બસ પલટી જવા પામી હતી. આ બસમાં અંદાજીત ૪૭ થી ૫૦ વ્યક્તિઓ મુસાફરી કરી રહ્યા હતા. જે પૈકી ૧૦૮ એમ્બ્યુલન્સ સેવાના માધ્યમથી ૨૫ જેટલા મુસાફરોને આહવા સિવિલ હોસ્પિટલ ખાતે, ૭ મુસાફરોને સામુહિક આરોગ્ય કેન્દ્ર-શામગહાન ખાતે, અને ૯ મુસાફરોને વલસાડની સિવિલ હોસ્પિટલ ખાતે રીફર કરવામાં આવેલ છે. કલેકટરશ્રીએ આ તમામ ઇજાગ્રસ્તોના સ્વાસ્થ્યની કામના કરી હતી.

તમારો પ્રતિભાવ આપો

Your email address will not be published. Required fields are marked *