
બીજન્દ્ર યાદવ-કમલમ ન્યૂઝ,ગોધરા
પંચમહાલ જિલ્લાના ગોધરા અને કાલોલ ખાતે આવતીકાલે ૧૦ જૂનના રોજ સિટી સિવિક સેન્ટર ખુલ્લુ મુકાનાર છે. રાજ્યના મુખ્યમંત્રીશ્રી ભુપેન્દ્રભાઈ પટેલ બનાસકાંઠાના પાલનપુર ખાતેથી રાજ્યના ૨૨ જેટલા સિટી સિવિક સેન્ટરના લોકાર્પણ કરનાર છે.તેમાં પંચમહાલ જિલ્લાના ગોધરા અને ગોધરા અને કાલોલ ઉપરાંત અમદાવાદ જિલ્લાના ધોળકા આ સિવાય બરવાળા, સુરેન્દ્રનગર, ડાકોર, ગાંધીધામ, દ્વારકા, ભચાઉ, કલોલ, મહેસાણા, પાલનપુર, ડીસા, ડભોઈ, કરજણ, વાપી, વલસાડ, નવસારી, ભરૂચ, વેરાવળ તથા અમરેલીનો સમાવેશ થાય છે.

પંચમહાલ જિલ્લાના ગોધરા અને કાલોલ ખાતે શરુ થનાર નાગરિક સુવિધા કેન્દ્રથી બંને શહેરોની અંદાજે ૧ લાખ ૧૦ હજારથી વધુ લોકોને સીધો લાભ મળશે.

અત્રે ઉલ્લેખનીય છે કે, શહેરી વિસ્તારોમાં, શહેરની વસ્તીની માંગને પહોંચી વળવા સંબંધિત શહેરી સ્થાનિક સંસ્થાઓ દ્વારા સેવાઓ પૂરી પાડવામાં આવે છે અને તેનું સંચાલન કરવામાં આવે છે. ગુજરાતમાં ૦૮ મહાનગરપાલિકાઓ અને ૧૫૭ નગરપાલિકાઓ છે. મહાનગરપાલિકાઓમાં શહેરીજનોની સુવિધા માટે સીટી સિવિક સેન્ટરની સુવિધાઓ ઉપલબ્ધ છે, પરંતુ નગરપાલિકાઓમાં પણ આવી સુવિધાઓની તાતી જરૂરિયાત છે. શહેરીકરણમાં ઝડપી વૃદ્ધિને કારણે નગરના રહેવાસીઓની સુવિધા માટે તથા શહેરોની ઉભી થયેલી માંગને પહોંચી વળવા માટે નગરપાલિકા વિસ્તારોમાં ‘સિટી સિવિક સેન્ટર’ની સ્થાપના કરવી જરૂરી છે. તમામ મ્યુનિસિપલ સેવાઓ એક જ જગ્યાએથી નાગરિકો માટે ઉપલબ્ધ થાય તેવા આશયથી સિટી સિવિક સેન્ટર એ સમયની માંગ છે. મિલકત વેરો, વ્યવસાય વેરો, ગુમાસ્તાધારા નોંધણી, લગ્ન નોંધણી, જન્મ/મરણ પ્રમાણપત્ર, પાણી/ ગટર જોડાણની અરજી, હોલ બુકિંગ, ફરિયાદ નોંધણી, બાંધકામની રજાચિઠ્ઠી, ફાયર એન.ઓ.સી. અરજી, સ્વિમિંગ પૂલ અને જિમ્નેશિયમ ફી જેવી નગરપાલિકાઓ દ્વારા આપવામાં આવતી સેવાઓ વિવિધ સિટી સિવિક સેન્ટરમાં ઓનલાઈન તેમજ રૂબરૂ રીતે ઉપલબ્ધ કરાવવામાં આવશે. આમ, તે નાગરિકો માટે વન સ્ટોપ શોપ તરીકે કામ કરશે. નાગરિકોના વિવિધ પ્રશ્નોના નિરાકરણમાં ન્યૂનતમ સમય જાય તે સુનિશ્ચિત કરવાનો રાજ્ય સરકારનો ધ્યેય છે.
આગામી વર્ષ ૨૦૨૩-૨૪માં વધુ ૬૬ નગરપાલિકાઓમાં રૂ. ૩૩.૦૦ કરોડના ખર્ચે સીટી સિવિક બનાવવામાં આવનાર છે.