વનમંત્રી મુકેશભાઈ પટેલના અધ્યક્ષસ્થાને ઓલપાડ તાલુકાના સાયણ ખાતે ખેડૂત શિબિર યોજાઈ

રિપોર્ટ ,મયુર પટેલ

ઈફકો અકસ્માત વીમા અંતર્ગત મૃતકોના વારસદારોને ચેક વિતરણ કરતા મંત્રી મુકેશભાઈ પટેલ

ઓલપાડ તાલુકાના સાયણ ગામે વન અને પર્યાવરણ મંત્રીશ્રી મુકેશભાઈ પટેલના અધ્યક્ષસ્થાને ઈન્ડિયન ફાર્મર્સ ફર્ટીલાઈઝર કો.ઓ.લિ. તથા ધી સાંધિએર ગૃપ કો.ઓ.કોટનના સંયુક્ત ઉપક્રમે ધી સાંધિએર ગૃપ કોટન ગ્રોઅર્સ એસોસિએશન, સાયણ જીન કમ્પાઉન્ડ ખાતે ઓલપાડ તાલુકાના ખેડૂતો માટે ખેડૂત શિબિર યોજાઈ હતી. જેમાં ૪૦૦ જેટલા ખેડૂતોને સારી ગુણવત્તાની ડાંગર પકવવા અને નેનો યુરિયાની મદદથી યોગ્ય ઉત્પાદન સાથે સમય અને નાણાના બચાવ અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.
મંત્રીશ્રીના હસ્તે ઈફકો નેનો યુરિયા અને ઈફકો સાગરિકનું મહત્તમ વેચાણ કરનારી ઉત્કૃષ્ટ મંડળીઓને ઈફકો નેનો યુરિયા શિલ્ડ એનાયત કરાયા હતા, તેમજ ઈફકો અકસ્માત વીમાના ૩ વારસદારોને રૂ.૧-૧ લાખના ચેક વિતરણ કરાયા હતા.
આ પ્રસંગે મંત્રીશ્રીએ જણાવ્યું કે, વડાપ્રધાનશ્રીએ સૌ પ્રથમ ઈફકો સાથે સહયોગ સાધીને ગાંધીનગરથી ઈફકો નેનો યુરિયા લોન્ચિંગ કર્યું હતું. ભારત સિવાયના તમામ દેશોમાં યુરિયાની કિંમત ખૂબ વધુ છે, ત્યારે સબસિડી થકી દેશના ખેડૂતો પર આર્થિક બોજ પડવા દીધો નથી.
તેમણે કહ્યું કે, રૂ.૨૨૫ની ૫૦૦ મિલીની નેનો યુરિયાની એક બોટલ યુરિયા ખાતરની એક થેલી બરાબર છે. નેનો યુરિયાનાં છંટકાવથી નાઈટ્રોજનની સમયસર ભરપાઈ થાય છે. નાઈટ્રોજનનો કાર્યક્ષમ ઉપયોગ થાય છે. સંગ્રહ તથા પરિવહનનો ખર્ચ ઘટી જાય છે. પાકની ઉપજ, ગુણવત્તા અને નફામાં નોધપાત્ર વધારો થાય છે. મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઈના વડપણ હેઠળ સરકારે ડ્રોનથી પાક ઉપર દવા સ્પ્રે કરવાની યોજના અમલમ મૂકી છે, જેના દ્વારા ખેડૂતોને ડાંગર કે શેરડીના પાકમાં ખાતર નાખવા માટે મજૂરોની જરૂર નહીં રહે. સરકાર ડ્રોનથી સ્પ્રે કરવામાં માટે પ્રથમ ૨ સ્પ્રેની સુવિધા વિનામૂલ્યે આપે છે.
વડાપ્રધાનશ્રી નરેન્દ્ર મોદી ખેડૂતોને માંગ્યા વિના તેમના ખાતામાં વર્ષે રૂ.૬ હજાર જમા કરે છે એમ જણાવતા મંત્રીશ્રીએ વધુમાં કહ્યું કે, ઉકાઈ ડેમનું મૂલ્યવાન પાણી અને ઉકાઈની સુદ્રઢ સિંચાઈ સુવિધાથી ઓલપાડ તાલુકામાં ૧૦૦ કરોડથી વધુ ડાંગરનું ઉત્પાદન થયું છે. ઓલપાડ તાલુકામાં ૧૪,૫૦૦ હેક્ટરમાં ડાંગરનુ વાવેતર થયું હતું. જેથી આ તાલુકાના ખેડૂતો માટે સમૃદ્ધિનો સૂરજ ઉગ્યો છે.
આ કાર્યક્રમમાં ઓલપાડ તાલુકા પંચાયતના પ્રમુખ અમિતભાઇ પટેલ, સાંધિએર કોટનના પ્રમુખ કમલેશભાઈ, ગોથાણ કોટનના ઉપપ્રમુખ સતિષભાઈ, આંત્રોલી પાર્ટી કપાસ સહકારી કોટનના પ્રમુખ હાર્દિકભાઈ, સાયણ સુગરના પ્રમુખ રાકેશભાઈ પટેલ, ઈફકોના મેનેજર બી.વી.નકુમ, મોટી સંખ્યામાં ખેડૂતો અને ઇફકો અકસ્માત વીમાના લાભાર્થીઓના વારસદારો ઉપસ્થિત રહ્યા હતા.

તમારો પ્રતિભાવ આપો

Your email address will not be published. Required fields are marked *