અમૂલ ડેરી ખાતે મહિલા કર્મયોગી દિવસની ઉજવણી કરાઈ

રિપોર્ટ : બીના પટેલ

  વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદીએ નારી શક્તિનો સાક્ષાત્કાર કરાવવાની દિશામાં લીધેલા મક્કમ પગલાંઓના  લીધે ગુજરાતમાં અનેક ગામોમાં સરપંચ સહિત ગ્રામપંચાયતના સભ્ય તરીકે મહિલાઓ કુશળ વહિવટકર્તા પુરવાર થઈ છે. જ્યાં એક તરફ મહિલાઓ ઘર-પરિવાર સંભાળે છે, તો બીજી તરફ તેઓ ખેતી-પશુપાલન કે અન્ય વ્યવસાય કરીને પોતાની અને પરિવારની આર્થિક શક્તિમાં વધારો કરી રહી છે. રાજ્યમાં અનેક ક્ષેત્રના વિકાસનો દોર મહિલાઓ સંભાળી રહી છે ત્યારે, સાચા અર્થમાં મહિલાઓ કર્મયોગીની ભૂમિકા નિભાવવામાં હંમેશા સૌથી આગળ રહી છે.

સમગ્ર રાજ્યમાં કરવામાં આવી રહેલી “નારી વંદન ઉત્સવ” સપ્તાહની ઉજવણી અંતર્ગત આણંદ  જિલ્લામાં “નારી વંદન ઉત્સવ” ઉજવણીના પાંચમા દિવસે અમુલ ડેરીના મ્યુઝિયમ હોલ ખાતે ”મહિલા કર્મયોગી દિન” ની ઉજવણી કરવામાં આવી હતી.

આ પ્રસંગે જિલ્લા પંચાયત પ્રમુખશ્રી હંસાબેન પરમારે બહેનોને પોતાના જીવનના દરેક સંઘર્ષને યાદ કરીને મક્કમ મનોબળ સાથે આગળ વધવા પ્રોત્સાહન આપ્યુ હતું. દહેજ પ્રતિબંધક અધિકારીશ્રી અને મહિલા અને બાળ અધિકારીશ્રી ફરજાનાબાનુ ખાને મહિલા કર્મચારીઓને કામકાજના સ્થળે જાતિય સતામણી અધિનિયમ-૨૦૧૩ અને પી.ઓ.એસ.એચ (POSH)  એક્ટ વિશે જણકારી આપી હતી.જાગૃત મહિલા સંગઠન પ્રમુખશ્રી આશાબેન દલાલે સ્ટ્રેસ મેનેજમેન્ટ એટલે કે પારીવારીક જવાબદારી અને કામકાજના સમય વચ્ચે સંતુલન જાળવીને કેવી રીતે તણાવને દૂર રાખી શકાય તે વિશે વિસ્તૃત સમજણ આપી હતી. 

ઉમ્મીદ વિકલાંગ ટ્રસ્ટના ચેરપર્સનશ્રી યાશુબેન વાઘેલાએ સાયબર ક્રાઈમ તથા સોશિયલ મીડિયા અંગેની અગત્યની માહિત આપી મહિલાઓએ આ બાબતે જાગૃત થવા ની જરૂરિયાત છે તેમ જણાવ્યું હતું. સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનના એ.એસ.આઇ.શ્રી મુસ્ત્કીમભાઇ મલેકે સાયબર ક્રાઈમ થી કેવી રીતે બચી શકાય તે અંગેની જાણકારી આપી હતી.

જિલ્લામાં મહિલાઓને આગળ વધવા પ્રેરણાદાયી બળ પૂરું પાડનાર મહિલાઓમાંથી જાગૃત મહિલા સંગઠન પ્રમુખશ્રી આશાબેન દલાલ, એ.એસ.એચ ડિપાર્ટમેન્ટના એસોસીયેટ પ્રોફેસરશ્રી દર્શનાબેન પ્રજાપતિ, સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનના એ.એસ.આઇ.શ્રી સમૃતાબેન ભરવાડને એવોર્ડ આપી તેમનું સન્માન કરાયું હતું. આ પ્રસંગે “પ્રતિકાર” ફિલ્મનું નિદર્શન કરવામાં આવ્યુ હતુ અને મહિલા કર્મયોગી દિવસની થીમ પર એક નાટક રજૂ કરવામા આવ્યુ હતુ.

આ પ્રસંગે અમુલના એક્યુકીટીવ સિનિયર હેડ શ્રી જયશ્રીબેન શાહ, જિલ્લા મહિલા અને બાળ અધિકારીની કચેરીના કર્મીઓ, ડી.એચ.ઈ.ડબલ્યુ., પી.બી.એસ.સી., ઓ.એસ.સી. સહિત મોટી સંખ્યામા અમુલ ડેરીની મહિલાકર્મીઓ ઉપસ્થિત રહ્યા હતાં.

KAMALAM DAILY

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

SCAM SCAM