
સરકારી યોજનાઓનો લાભ છેવાડાના માનવી સુધી પહોચાડીશું ત્યારે “વસુધૈવ કુટુંબકમ” ની સંસ્કૃતિ સાર્થક થશે: ધારાસભ્યશ્રી પ્રવીણભાઈ માળી

બનાસકાંઠા જિલ્લાના ડીસા તાલુકાના દામા ખાતે પ્રાથમિક શાળામાં દેશના લોકલાડીલા પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીના 73 મા જન્મદિવસની ઉજવણી અંતર્ગત તાલુકા કક્ષાના સેવાસેતુ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. ડીસાના ધારાસભ્યશ્રી પ્રવીણભાઈ માળીની અધ્યક્ષતા અને બનાસકાંઠા જિલ્લા કલેકટર શ્રી વરુણકુમાર બરનવાલની વિશેષ ઉપસ્થિતિમાં ડીસા વહીવટીતંત્ર દ્વારા આયોજિત સેવાસેતુ કાર્યક્રમમાં કેન્દ્ર અને રાજ્ય સરકારની વિવિધ જનકલ્યાણકારી યોજનાઓનો લાભ લાભાર્થીઓને એક જ સ્થળે આપવામાં આવ્યો હતો.
સમગ્ર દેશ અને ગુજરાત રાજ્ય સહિત બનાસકાંઠા જિલ્લામાં 17 મી સપ્ટેમ્બર ના રોજ દેશના લોકલાડીલા પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઈ મોદીના 73 મા જન્મદિવસની ઉજવણી હર્ષભેર ઉજવણી કરવામાં આવી હતી. જે અંતર્ગત ડીસા તાલુકાના દામા ખાતે પ્રાથમિક શાળામાં યોજાયેલા સેવાસેતુ કાર્યક્રમમાં સરકારના 15 વિભાગો દ્વારા સરકારની વિવિધ યોજનાઓના લાભ લાભાર્થીઓને એક જ સ્થળે ઉપલબ્ધ કરાવવામાં આવ્યા હતા.
સેવા સેતુ કેમ્પ હેઠળ લાભાર્થીઓને આવક, જાતિ, ક્રિમીલેયર, ડોમીસાઇલ પ્રમાણપત્રને લગતા દાખલાઓ, રેશનકાર્ડને લગતી અરજીઓ, આધાર કાર્ડ અને ચુંટણી કાર્ડમાં નામ નોંધાવવાની અરજીઓ, મા અમૃતમ યોજના તથા વાત્સલય કાર્ડમાં લાભાર્થીઓની નોંધણી અને કાર્ડ ઇસ્યુ કરવા, રાજય સરકારની કૃષિ, પશુપાલન, સહકાર, ગ્રામ વિકાસ, પંચાયત, સમાજ કલ્યાણ, આદિજાતિ વિભાગની સ્કીમો હેઠળના વ્યક્તિલક્ષી લાભો માટેની અરજીઓ, વરિષ્ઠ નાગરિકતા પ્રમાણપત્ર, દિવ્યાંગતા પ્રમાણપત્ર, સ્કોલરશીપ યોજનાના લાભો, વિધવા સહાય અને વૃધ્ધ નિરાધાર સહાય યોજના હેઠળ લાભ મેળવવા માટેની અરજીઓ, જમીન માપણી અને નવી નોંધ દાખલ કરવાને લગતી અરજીઓ સ્વીકારવાની સેવા પૂરી પાડવામાં આવી હતી. જેનો આજુબાજુના ગામોના લાભાર્થીઓએ મોટી સંખ્યામાં લાભ લીધો હતો.
આ પ્રસંગે ધારાસભ્યશ્રી પ્રવીણભાઈ માળી એ વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીના જન્મદિવસ નિમિત્તે
સરકારના 15 જેટલા વિવિધ વિભાગોની યોજનાનો લાભ ડીસા તાલુકાના લાભાર્થીઓને મળી રહે તે માટે આયોજિત સેવાસેતુ કાર્યક્રમને સેવાયજ્ઞ ગણાવી સંવેદના સાથે સેવાના સંકલ્પને સાકાર કરવા ઉપસ્થિત સૌને અપીલ કરી સેવાસેતુ કાર્યક્રમના આયોજન બદલ ડીસા વહીવટીતંત્રને અભિનંદન પાઠવ્યા હતા. તેમણે જણાવ્યું કે અધિકારી કર્મચારી નક્કી કરે કે સરકારી યોજનાઓનો લાભ છેવાડાના માનવીના ઘર સુધી પહોંચાડવો છે ત્યારે આપણી “વસુધૈવ કુટુંબકમ” ની સંસ્કૃતિ સાર્થક બનશે. વધુમાં તેમણે સરકારની વિવિધ કલ્યાણકારી યોજનાઓ લોકોના ઘર સુધી પહોંચાડવા મહોલ્લામાં, વાસમાં ઘરના ઓટલે બેસી કામ કરવાની તૈયારી અને નિષ્ઠા અપનાવીશું ત્યારે સેવાસેતુનો ઉદ્દેશ પરિપૂર્ણ થશે એવું જણાવ્યું હતુ.તેમજ ધારાસભ્યશ્રી પ્રવીણભાઈ માળી દ્વારા ડીસા તાલુકાની 384 થી વધુ દીકરીઓને સુકન્યા સમૃદ્ધિ યોજનાનો લાભ આપવામાં આવ્યો હતો.
રાજ્યસભાના પૂર્વ સાંસદશ્રી દિનેશભાઇ અનાવડીયાએ આ પ્રસંગે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી દ્વારા લોકોના સપના સાકાર કરતી વિવિધ યોજનાઓની માહિતી આપી જણાવ્યું કે આઝાદીના આટલા વર્ષે છેવાડાના સામાન્ય માણસની કોઈએ ચિંતા કરી હોય તો એ આપણા લોક લાડીલા વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદી છે. નલ સે જલ, પ્રધાનમંત્રી આવાસ યોજના, ઉજ્જ્વલા યોજના , આયુષ્યમાન કાર્ડ જેવી વિવિધ યોજનાઓનો લાભ ગરીબ અને સામાન્ય લોકોને પહોચાડવાનું કામ શ્રી નરેન્દ્રભાઇ મોદીની સરકારે કર્યું છે એમ જણાવ્યું હતું. તેમના સશક્ત અને દ્રષ્ટિવાન નેતૃત્વમાં દેશ વિશ્વગુરુ બનવા તરફ આગળ વધી રહ્યો છે એમ જણાવી પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદીના દીર્ઘાયુની પ્રાર્થના કરી તમામને શુભેચ્છાઓ પાઠવી હતી.
જિલ્લા કલેકટર શ્રી વરુણકુમાર બરનવાલે ડીસા વહીવટીતંત્રના માનવીય અભિગમને બિરદાવતા સેવાસેતુ કાર્યક્રમના આયોજન બદલ સમગ્ર વહીવટીતંત્રને અભિનંદન પાઠવ્યા હતા. તેમજ આવનાર લાભાર્થીઓને કોઈપણ મુશ્કેલી વગર તેમનું કામ સંતોષકારક રીતે કરી આપવા અનુરોધ કર્યો હતો.
તાલુકાકક્ષાના આ સેવાસેતુ કાર્યક્રમમાં ડીસા પ્રાંત અધિકારીશ્રી નેહાબેન પંચાલ, મામલતદાર શ્રી જે.એચ પાણ સહિતના અધિકારીશ્રીઓ, પૂર્વ ધારાસભ્યશ્રી શશીકાંત પંડ્યા, ડીસા એ.પી.એમ.સી ચેરમેનશ્રી ગોવાભાઈ દેસાઈ, અગ્રણીશ્રીઓ સંજયભાઈ બ્રહ્મભટ્ટ, બાદરસિંહ વાઘેલા, અમરતભાઈ દવે, દામા ગામના સરપંચશ્રી ઈશ્વરભાઈ ખટાણા સહિત ડીસા તાલુકાના ગામોમાંથી મોટી સંખ્યામાં લાભાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.
આનંદ ઠકકર ડીસા