મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીએ રૂ. ૪૬.૮ર કરોડની ત્રણ પાણી પુરવઠા સુધારણા યોજનાઓના ઇ-ખાતમૂર્હત સંપન્ન કર્યા
મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીના હસ્તે અમદાવાદ ગ્રામ્ય જિલ્લાના ૧ર૮ ગામોની ૩.૭૪ લાખ જનસંખ્યાને પીવાનું શુદ્ધ પાણી પુરૂં પાડનારી રૂ. ૪૬.૮ર કરોડની ત્રણ પાણી પુરવઠા સુધારણા યોજનાના ઇ-ખાતમૂર્હત ગાંધીનગરથી વિડીયો કોન્ફરન્સ દ્વારા સંપન્ન કરાયા હતા. આ કાર્યક્રમમાં વિંછીયા ખાતેથી વિડીયો કોન્ફરન્સીંગ દ્વારા પાણી પુરવઠામંત્રીશ્રી કુંવરજીભાઇ બાવળીયા ઉપસ્થીત રહયા હતા. વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદીની સંકલ્પના મુજબ મુખ્યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણીના નેતૃત્વમાં વર્ષ ૨૦૨૪ સુધીમાં રાજયના તમામ ઘરોને નલ સે જલ યોજના હેઠળ આવરી લઇ લોકોને ઘરઆંગણે નળ દ્વારા પાણી વિતરણ કરવાના કાર્યમાં સમગ્ર દેશમાં અગ્રેસર રહયું છે. અમદાવાદ જિલ્લામાં આ અંગે થયેલ કામગીરીની વિગતવાર માહિતી આપતાં મંત્રીશ્રી કુંવરજીભાઇ બાવળીયાએ જણાવ્યું હતું કે હાલ અમદાવાદ જિલ્લાના નવેય તાલુકાઓના ૪૫૦ ગામો અને ૮ શહેર નર્મદા બ્રાંચ કેનાલ આધારીત એ-૧,૨,૩,૪ અને ૭ જુથ પાણી પુરવઠા યોજનાથી આવરી લેવાયેલ છે. જે ત્રણ ગામની સ્વતંત્ર યાજના હતી તેઓને પણ સુધારણા યોજનામાં આવરી લેવાયેલ છે. આ સુધારણા યોજનાઓ અન્વયે વિરમગામ, બાવળા અને સાણંદ તાલુકાના પ૪ ગામો અને એક શહેરને રૂ. રર.૯પ કરોડની સૌરાષ્ટ્ર બ્રાંચ કેનાલ આધારિત સુધારણા યોજના અન્વયે જયારે ઝીંઝુવાડિયા બ્રાંચ કેનાલ આધારિત રૂ. ૯.૧૮ કરોડની સુધારણા યોજનામાં વિરમગામ, માંડલ, દેત્રોજના ૪૪ ગામોને તેમજ દસ્ક્રોઇ તાલુકાની હયાત યોજનાનું રૂા. ૧૩.૮૩ કરોડના ખર્ચે સુધારણાનુ આયોજન કરી દસક્રોઇના ૩૦ ગામોને લાભ મળવાનો છે. હાલ રાજયમાં ૮૦ ટકા ઘરોમાં નલ સે જલ આપીયે છીએ અને ૧૦૦ ટકા લક્ષ્યાંક ર૦રર સુધીમાં પૂરો કરવાનું લક્ષ્ય છે. આ તકે વિંછીયા મામલતદારશ્રી આર.બી. ડાંગી અને તાલુકા વિકાસ અધિકારીશ્રી વી.આર.રાબા તથા પાણી પુરવઠા વિભાગના કાર્યપાલક ઇજનેરશ્રી એચ.બી.જોધાણી ઉપસ્થીત રહયા હતા.



