સુશાસન દિવસની ઉજવણીને અનુલક્ષી પાલનપુર મુકામે કલેકટરશ્રી આનંદ પટેલના અધ્યક્ષસ્થાને બેઠક યોજાઇ

તા.૨૫ મી ડિસેમ્બરે પૂર્વ વડાપ્રધાનશ્રી સ્વ. અટલબિહારી વાજપયીના જન્મ દિવસે બનાસકાંઠામાં ૧૪ જગ્યાએ સુશાસન દિવસની ઉજવણી કરાશે

 તા. ૨૫ મી ડિસેમ્બર ભારતના ભૂતપૂર્વ વડાપ્રધાનશ્રી સ્વ. અટલબિહારી વાજપયીના જન્મ દિવસને કેન્દ્ર અને રાજય સરકાર દ્વારા વર્ષ-૨૦૧૪થી સુશાસન દિવસ તરીકે ઉજવવામાં આવે છે. આ વર્ષે તા. ૨૫ ડિસેમ્બરે રાજય સરકાર દ્વારા સુશાસન દિવસની ઉજવણીના ભાગરૂપે સાત પગલાં ખેડુત કલ્યાણના કાર્યક્રમ અંતર્ગત યોજનાઓના લાભાર્થીઓને સધાન સામગ્રી સાથે સહાય વિતરણના કાર્યક્રમો સવારે-૧૧.૦૦ થી ૧.૩૦ દરમ્યાન યોજી બનાસકાંઠા જિલ્લામાં ૧૪ જગ્યાએ સુશાસન દિવસની ઉજવણી કરાશે. સુશાસન દિવસની ઉજવણીને અનુલક્ષી પાલનપુર મુકામે કલેકટરશ્રી આનંદ પટેલના અધ્યક્ષસ્થાને અધિકારીઓની બેઠક યોજાઇ હતી. દરેક તાલુકામાં યોજાનાર કાર્યક્રમમાં માસ્ક, સોશ્યલ ડિસ્ટન્સ, સેનેટાઇઝર સાથે ટેમ્પ્રેચર ગનથી તાપમાન ચેક કરીને બેઠકના સ્થળે ખેડુતોને પ્રવેશ તથા લાભાર્થીઓને આપવાની કીટ વગેરે તૈયાર રાખવા કલેકટરશ્રીએ સંબંધિત તાલુકાના નોડલ અધિકારીઓને સુચના આપી હતી. સુશાસન દિવસની ઉજવણીના ભાગરૂપે સાત પગલાં ખેડુત કલ્યાણ અંતર્ગત ચાલુ વર્ષ-૨૦૨૦-૨૧માં ખેડુતોને સંપૂર્ણ દેશી ગાય આધારીત પ્રાકૃતિક ખેતી કરતા ખેડુત કુટુંબને એક ગાય માટે નિભાવ ખર્ચમાં સહાય આપવાની યોજના, પ્રાકૃતિક કૃષિ પધ્ધતિ દ્વારા જીવામૃત બનાવવા સારુ લાભાર્થીઓને નિદર્શન કીટમાં ૭૫ ટકા સહાયની યોજના, કૃષિ ઉત્પાદનોમાં પરિવહન માટે મીડીયમ સાઇઝના ગુડ્ઝ કેરેઝ વાહનની ખરીદી ઉપર નાણાંકીય સહાય આપવાની કિસાન પરિવહન યોજના, ફળ અને શાકભાજીનો બગાડ અટકાવવા નાના વેચાણકારોને વિનામૂલ્યે છત્રી/ શેડ કવર પુરા પાડવાની યોજના, ખેડુતોને પાક સંગ્રહ સ્ટ્રક્ચર બનાવવા માટે સહાય આપવાની મુખ્યમંત્રી પાક સંગ્રહ સ્ટ્રક્ચર યોજના, સર્વગ્રાહી યોજનાઓના લાભાર્થીઓને સાધન સામગ્રી સાથે સહાય વિતરણ તેમજ પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ હેઠળ પ્રધાનમંત્રીશ્રી દ્વારા બટન દબાવીને આશરે ૯ કરોડ ખેડુતોના બેંક એકાઉન્ટમાં સીધી આશરે રૂ. ૧૮,૦૦૦ કરોડની રકમ ખેડુતોને આપવામાં આવશે. બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારીશ્રી અજય દહીયા, આસી. કલેકટરશ્રી પ્રશાંત ઝીલોવા, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામકશ્રી આર.વી.વાળા,પ્રાયોજના વહીવટદારશ્રી એમ.બી.ઠાકોર, જિલ્લા ખેતીવાડી અધિકારીશ્રી પી. કે. પટેલ, નાયબ બાગાયત નિયામકશ્રી જે. બી. સુથાર, આત્માના પ્રોજેકટ ડાયરેક્ટરશ્રી જિંદાલ, પ્રાંત અધિકારીશ્રીઓ સહિત સંબંધિત તાલુકાના નોડલ ઓફિસરશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતાં. બનાસકાંઠા જિલ્લામાં આ જગ્યાએ સુશાસન દિવસની ઉજવણી કરાશે. બનાસકાંઠા જિલ્લામાં ૧૪ તાલુકા મથકોએ આ જગ્યાએ સુશાસન દિવસની ઉજવણી કરાશે. વાવ, થરાદ, કાંકરેજ, પાલનપુર અને દાંતા ખાતે એ.પી.એમ.સીમાં, ડીસામાં વિનાયક કોલ્ડ સ્ટોરેજ થરાદ રોડ સમશેરપુરા, અમીરગઢમાં એકલવ્ય મોડેલ સ્કૂલ, વડગામમાં તાલુકા સેવા સહકારી સંઘ, દાંતીવાડા ખાતે પાર્થ કોલ્ડ સ્ટોરેજ વાઘરોલ ચારરસ્તા, લાખણીમાં સરસ્વતી હાઇસ્કૂલ લાખણી, ધાનેરામાં શ્રી કે. આર. આંજણા કોલેજ કેમ્પસ, દિયોદરમાં બક્ષીપંચ કુમાર છાત્રાલય, ભાભરમાં નગરપાલિકા ટાઉનહોલ, ખાડીયા વિસ્તાર અને સૂઇગામ ખાતે બી.આર.સી. ભવનમાં સુશાસન દિવસની ઉજવણી કરવા જિલ્લા વહીવટીતંત્ર દ્વારા આયોજન કરવામાં આવ્યું છે તેમ બનાસકાંઠા જિલ્લા ખેતીવાડી અધિકારીશ્રી પી. કે. પટેલે જણાવ્યું હતું.

તમારો પ્રતિભાવ આપો

Your email address will not be published. Required fields are marked *