ભારતની નારીશક્તિને આત્મસન્માન અને આત્મગૌરવ અપાવવાનું કામ વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદીએ કર્યું છે-મંત્રી શ્રી ભાનુબેન બાબરિયા


સામાજિક ન્યાય અને અધિકારિતા વિભાગની વિવિધ યોજનાના લાભો તથા સહાય આપવા શરૂ કરાયેલી નૂતન પરંપરા એવા પ્રાદેશિક કક્ષાના સહાય મેળાની અંતિમ શ્રેણીમાં ડો. બાબા સાહેબની સંકલ્પભૂમિ એવા વડોદરા ખાતે ૧૨ જિલ્લાનો કાર્યક્રમ યોજીને ૫.૮૭ લાભાર્થીઓને રૂ. ૩૪૭ કરોડની સહાય એક સાથે આપવામાં આવી છે. કાર્યક્રમમાં ઉપસ્થિત મંત્રી શ્રીમતી ભાનુબેન બાબરિયાએ જણાવ્યું કે, સમગ્ર ભારતની નારીશક્તિને આત્મસન્માન અને આત્મગૌરવ અપાવવાનું કામ વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદીએ કર્યું છે.
શ્રીમતી બાબરિયાએ જણાવ્યું કે, વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદીએ તાજેતરમાં લોકસભામાં મહિલાઓને ૩૩ ટકા અનામતનો કાયદો લાવી મહિલાઓને નેતૃત્વમાં સમાન તક આપવાનું ભગિરથ કાર્ય કર્યું છે. તેમની નારી ગૌરવ નીતિના કારણે ગુજરાતમાં મહિલા કલ્યાણલક્ષી અનેકવિધ યોજનાઓ આજે ગુજરાતમાં છે અને તેના કારણે અનેક પરિવારોને લાભ થયો છે.
તેમણે એમ પણ ઉમેર્યું કે, રાજ્ય સરકાર દ્વારા છેવાડાના માનવી સુધી યોજનાકીય લાભો પહોંચે એ માટે સતત પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે અને આવી સહાયથી દલિતો, વંચિતોનો વિકાસ થઇ રહ્યો છે. આ મેળાથી અમે નાગરિકો ઉપર કંઇ ઉપકાર કરતા નથી, જેમના હક્કનું છે, એમને આપીએ છીએ. ભગવાને અમને આ સહાયલાભો આપવા માટે નિમિત્ત માત્ર બનાવ્યા છે.
ગુજરાતમાં આજે અનેક વંચિત પરિવારોને ઘરનું ઘર મળ્યું છે, પરિવારોના સપનાનું અને કલ્પનાનું ઘર સરકારની મદદથી મળ્યું છે, એમ કહેતા તેમણે ઉમેર્યું કે, એ સમયે કેટલાક લોકો ઘરના ખોટા સપના દેખાડીને રૂ. એકસોના ફોર્મ વહેંચતા હતા અને પૈસા ભેગા કરી લીધા હતા. તેની સામે આ સરકારે ગરીબોના સપના સાકાર કર્યા છે.
મહિલા, બાળ કલ્યાણ અને સામાજિક ન્યાય, અધિકારિતા મંત્રી શ્રીમતી બાબરિયાએ કહ્યું કે, વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદી દ્વારા શરૂ કરવામાં આવેલા ગરીબ કલ્યાણ મેળાની શ્રૃખંલાનો આ વખતનો તબક્કો થોડા દિવસોમાં શરૂ થશે. ગરીબ કલ્યાણ મેળા વંચિતો, શોષિતો, પીડિતોનું કલ્યાણ કરવાનો યજ્ઞ છે. ડો. બાબા સાહેબે વડોદરા ખાતે જે સંકલ્પ લીધો હતો, એને પરિપૂર્ણ કરવા માટે રાજ્ય સરકાર પ્રતિબદ્ધ છે.
ગરીબોના ઘરે રોટલા જમવા જવાથી એ પરિવારનો વિકાસ થતો નથી. પરંતું એમના ઘરે રોટલા કેમ બને એ આ કામ કરવાથી વિકાસ થાય છે, એમ કહેતા મંત્રીશ્રીએ કહ્યું કે, ગરીબો, પીડિતોનો સર્વાંગી વિકાસ કરવાની નેમ રાજ્ય સરકાર ધરાવે છે.
મંત્રી શ્રીમતી ભાનુબેનના હસ્તે મધ્ય અને દક્ષિણ ગુજરાતના વડોદરા, ભરૂચ, નર્મદા, તાપી, સુરત, વલસાડ, ડાંગ, દાહોદ, છોટાઉદેપુર, મહીસાગર, પંચમહાલ, નવસારીના ૫.૮૭ લાખ લાભાર્થીઓને રૂ. ૩૪૭ કરોડથી વધુની લોન તેમજ સહાય વિતરણ કરવામાં આવ્યું હતું. જે અંતર્ગત વિવિધ યોજનાઓનો સમાવેશ કરવામાં આવ્યો હતો. આ જિલ્લાઓના અનુજાતિ કલ્યાણ ખાતાના ૮૦૮ લાભાર્થીઓને રૂ.૧૧.૪૭ કરોડ, વિકસતિ જાતિ કલ્યાણ ખાતાના ૧૯૫૭ લાભાર્થીઓને રૂ.૨૫.૨૮ કરોડ અને સમાજ સુરક્ષા ખાતાની વિવિધ યોજનાઓના ૫.૮૪ લાખ લાભાર્થીઓ સહિત કુલ ૫.૮૭ લાખ લાભાર્થીઓને રૂ.૩૪૭ કરોડની સહાયનું વિતરણ કરવામાં આવ્યું હતું. ગુજરાત અનુસૂચિત જાતિ વિકાસ નિગમ અને ગુજરાત સફાઇ કામદાર વિકાસ નિગમ દ્વારા મંજૂર કરાયેલ વાહનોને લીલીઝંડી પણ આપવામાં આવી હતી.
સામાજિક ન્યાય અને અધિકારીતા રાજ્ય મંત્રીશ્રી ભીખુસિંહજી પરમારે જણાવ્યું હતું કે રાજ્ય સરકાર સમાજના છેવાડાના માનવી સુધી સરકારની વિવિધ કલ્યાણકારી યોજનાઓના લાભો પહોચાડવા માટે પ્રતિબદ્ધ છે.સમાજના વંચિતો,પીડિતો, શોષિતોના સામાજિક,આર્થિક અને શૈક્ષણિક વિકાસ માટે બજેટમાં રૂ.૧૦,૫૫૮ કરોડની માતબર જોગવાઈ કરવા આવી છે.
તેમણે ઉમેર્યું કે, ગુજરાતમાં ચહું દિશામાં વિકાસ થઈ રહ્યો છે,ત્યારે ગુજરાત અને દેશના વિકાસમાં નબળા અને વંચિત લોકોને કોઈપણ જાતના વચેટિયાઓ વગર તેમના હક્કના નાણાં સીધે સીધા તેમના ખાતામાં ડી.બી.ટી મારફત જમા કરવામાં આવી રહ્યા છે.આ કોઈ દયા દાન કે ઉપકાર ભાવથી નહિ પરંતુ તેમના હક્કનું રાજ્ય સરકાર તેમને આપી સરકાર હર હંમેશ વંચિતોની પડખે છે તેનો અહેસાસ કરાવી રહી છે. વિવિધ યોજનાકીય લાભોના લાભાર્થીઓ આત્મનિર્ભર બની દેશના વિકાસમાં પોતાનું યોગદાન આપશે એવો વિશ્વાસ તેમણે વ્યકત કર્યો હતો.
મેયર શ્રીમતી પિન્કી સોનીએ જણાવ્યું હતું કે, કેન્દ્ર અને રાજ્યની ડબલ એન્જિનની સરકાર નબળા વર્ગોનું જીવન ધોરણ ઊંચું આવે તે દિશામાં સતત પ્રયાસરત છે.વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના સક્ષમ નેતૃત્વમાં મુખ્ય મંત્રીશ્રી ભૂપેન્દ્રભાઈ પટેલની સરકાર સમાજના આર્થિક રીતે નબળા વર્ગોને લોન સહાય આપી તેમને સમાજના મુખ્ય પ્રવાહમાં જોડી રહી છે.આ કાર્યક્રમ માત્ર સરકારી સહાય આપવા પુરતો નથી,પરંતુ ગરીબોનું સાચા અર્થમાં સશકિતકરણ કરવાનું મહા અભિયાન છે.જેને પરિણામે રાજ્ય અને દેશનો વિકાસ થશે. તેમણે કેન્દ્ર અને રાજ્ય સરકારની વિવિધ મહિલા કલ્યાણકારી યોજનાઓનો વિસ્તૃત જાણકારી આપી હતી.
પ્રારંભમાં અનુસૂચિત જાતિ વિકાસ નિગમના એમ. ડી શ્રી પ્રકાશ સોલંકીએ સૌનો આવકાર કર્યો હતો. અંતમાં સંયુક્ત નિયામક શ્રી આર.કે. ખેરે આભાર વિધિ કરી હતી.
આ પ્રાદેશિક સહાય મેળામાં કુંવરબાઈનું મામેરું યોજના, સાત ફેરા સમૂહ લગ્ન સહાય, ડૉ. સવિતાબેન આંબેડકર આંતરજ્ઞાતિય લગ્ન પ્રોત્સાહક યોજના, વિદેશ ઉચ્ચ અભ્યાસ માટે લોન, આવાસ યોજના તથા વિવિધ નિગમોની સીધી ધિરાણ યોજના તેમજ સ્વરોજગાર લક્ષી લોન યોજના જેવી અનેક યોજનાનોના લાભ આ કાર્યક્રમ દરમિયાન લાભાર્થીઓને દિવાળીની ભેટ સ્વરૂપે આપવામાં આવ્યા હતા.
આ પ્રસંગે જિલ્લા પંચાયત પ્રમુખ શ્રીમતી ગાયત્રીબેન મહિડા, સાંસદ શ્રીમતી રંજનબેન ભટ્ટ, ધારાસભ્ય શ્રીમતી મનિષાબેન વકીલ,અગ્રણી ડો.વિજય શાહ, અનુસૂચિત જાતિ કલ્યાણ નિયામક શ્રી રચિત રાજ્ય, વિકસતિ જાતિ કલ્યાણ નિયામક શ્રી વિક્રમસિંહ જાદવ, કલેક્ટર શ્રી અતુલ ગોર, જિલ્લા વિકાસ અધિકારી સુશ્રી મમતા હીરપરા, સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગના અધિકારીઓ, તાલુકા જિલ્લા પંચાયતના પદાધિકારીઓ, અગ્રણીઓ,નગર સેવકો સહિત વિશાળ સંખ્યામાં બાર જિલ્લાના લાભાર્થીઓ હાજર રહ્યા હતા.

તમારો પ્રતિભાવ આપો

Your email address will not be published. Required fields are marked *