
નવલી નવરાત્રીનો ઉત્સવ ઉજવ્યા બાદ દર વર્ષે દશેરાએ માઈ ચોકમાં બેસી ગ્રામજનો ભોજન કરે છે
ધાર્મિક ભટ્ટ અરવલ્લી
મોડાસા તાલુકાના મોટી ઇસરોલ ગામે નવલી નવરાત્રીના નવ દિવસના શક્તિના આરાધનાનું પર્વ ઉજવ્યા બાદ દર વર્ષે દશરાએ સાંજે આખું ગામ,તમામ જ્ઞાતિના ભાઈ-બહેનો માતાજીના ચોકમાં સાથે બેસીને સામુહિક ભોજન લેવાની અનોખી પરંપરા છેલ્લા બે દાયકા ઉપરાંતના સમયથી કાયમ કરી છે ને અરવલ્લી જિલ્લામાં આ ગામની એકતા, સમૂહ ભાવ અને ભાઈચારાની મિસાલ આજે પણ અકબંધ છે. મોટી ઇસરોલમાં વર્ષ દરમિયાન અનેક ધાર્મિક ઉત્સવો, સત્સંગ મેળવડા અને ગામમાં આવેલ મોટેશ્વર શિવ મંદિર અને ઇચ્છાપૂર્ણ રામદેવજી મંદિરોમાં પણ વખતોવખત વર્ષ દરમિયાન આવતા મંદિરોના વાર્ષિક પાટોત્સવ,હવન-યજ્ઞો ઇત્યાદિ સહિત અનેક ધાર્મિક પ્રસંગો ઉજવાય છે.દર બીજે ઇચ્છાપૂર્ણ રામદેવજી મંદિરે બીજ ઉત્સવ, ભાદરવામાં ગણેશોત્સવ અને નવરાત્રીમાં આદ્યશક્તિની આરાધનાનું પર્વ નવરાત્રી ઉત્સવ ઉમંગભેર ઉજવાય છે ત્યારે વર્ષ દરમિયાન ઉજવાતા આ તમામ પ્રસંગોમાં ગ્રામજનો આમ જ સાથે બેસીને સમુહ ભોજન કરવાની પરંપરાને ઉમંગભેર ગામના વડીલો,યુવાનો, તમામ ભાઈ-બહેનો જ્ઞાતિભેદભાવ વિના નિભાવી રહ્યા છે. જિલ્લામાં આ આવા નોખાં અભિગમથી અન્યોને પણ પ્રેરણા મળી રહી છે. મોટી ઇસરોલ ગામના અગ્રણી પ્રભુદાસભાઈ પટેલે જણાવ્યું કે મોટી ઇસરોલ ગામમાં વર્ષ દરમિયાન જુદા જુદા ધાર્મિક પ્રસંગો અને પર્વોની ઉજવણી સાથે બેસી,કોઈ જ્ઞાતિ ભેદભાવ વિના એકતા,સ્નેહ ને નોખાં ભગવદ ભાવને ટકાવી રાખી કરવામાં આવે છે. સમુહભાવની અનોખી આ મિસાલને હવે જિલ્લામાં અન્ય ગામડાંઓ પણ અપનાવી રહ્યાં છે.સામાજિક સમરસતા,એકતા ને સ્નેહભાવમાં વૃદ્ધિ સાથે અલૌકિક આનંદની અનુભૂતિ કરાવતા મોટી ઇસરોલ ગામમાં સમૂહ ભોજનની પરંપરા અકબંધ રાખીને આ વર્ષે પણ માઇ ચોકમાં માંડવી ફરતે પંગતમાં બેસી દશેરાએ સાંજે આમ સાથે બેસી ભોજન પ્રસાદ લઈ વિજયાદશમી પર્વ ઉમંગે ઉજવ્યું હતું.
