
ડાંગમાં આદિવાસીઓ માટે 15 કરોડના ખર્ચે હોસ્પિટલનું નિર્માણ કરનારા બોસ્ટનસ્થિત ડો. અશોક પટેલનો કોરોનાએ ભોગ લીધોઃ કાળમુખા કોરોનાનું ખપ્પર ક્યારે ભરાશે ?
આજે ગીતા જંયતિ છે. આજે માૈન એકાદશી છે. આજે વિશ્વના મહાન ગ્રંથ ભગદ્ ગીતાનો દિવસ છે. આજે સવારે નવ કલાકે અમારા એક પરમ મિત્ર, પરગજુ, બોસ્ટનથી આહવાના અનેક ધક્કા ખાઈને, તન-મન અને ધનથી પૂરેપૂરા ઘસાઈને, અનેક પડકારોનો સામનો કરીને, જબરજસ્ત ધીરજ રાખીને 15 કરોડના ખર્ચે આદિવાસીઓ માટે અદ્યતન હોસ્પિટલનું નિર્માણ કરનારા ડેન્ટિસ અશોકભાઈ પટેલનું નિધન થયું. તેમની વય બિલકુલ જવાની નહોતી. હજી માંડ 60 વર્ષના હતા. હોસ્પિટલના નિર્માણ પછી તેઓ આખા ડાંગ જિલ્લાનું નવસર્જન કરવા માગતા હતા. તેમના મનમાં સ્વપ્ન પણ હતું તેનો તેનો રોડમેપ પણ તૈયાર હતો.
તેમના પરિવારમાં તેમનાં ધર્મપત્ની સરોજબહેન અને બે દીકરીઓ છે. મોટાં દીકરી નતાશાબહેન (31 વર્ષ) પિતાના પગલે ડેન્ટિશ થયાં છે તો નાનાં દીકરી નિરાલીબહેન (30) ડોકટર છે. ડો. અશોકભાઈ પટેલ મૂળ સુરતના.
તેમને અને સરોજભાભી બન્નેને કોરોના થયો હતો. સરોજભાભી તેમાંથી બહેર નીકળી ગયાં અને સ્થિતપ્રજ્ઞ અશોકભાઈએ ગીતા જયંતિના દિવસે જ અનંતની વાટ પકડી. ડાંગમાં હોસ્પિટલનો ચાર્જ સંભાળતા ડો. નિર્મલભાઈ પટેલે (સંપર્ક નંબર 94095 86777) આપેલી માહિતી પ્રમાણે અશોકભાઈને આઠમી નવેમ્બરે કોરોના થયો હતો. એ પછી તેમને 28મી નવેમ્બરે હોસ્પિટલમાં દાખલ કર્યા હતા. તેઓ છેલ્લે વેન્ટિલેટર પર હતા.
આજે હું ઓફિસે આવ્યો ત્યારે અમારા બન્નેનો પરિચય કરાવનારા ડો. બ્રિજેશ પટેલનો ફોન આવ્યો. તેમણે લગભગ રડતાં રડતાં મને આ સમાચાર આપ્યા. તેમનો કંઠ ભીનો થઈ ગયો હતો અને હૃદય ભરાઈ ગયું હતું. સમાચાર સાંભળીને હું પણ થોડી વાર સ્તબ્ધ થઈ ગયો. અમારા બન્ને માટે 2020ના આ સાૈથી ખરાબ સમાચાર હતા. ડો. અશોકભાઈ આમ અધવચ્ચેથી જઈ જ કેવી રીતે શકે ? હજી તો તેઓ આખા ડાંગ જિલ્લાને આત્મનિર્ભરતાની રીતે નવપલ્લિત કરવા માગતા હતા. હજી તો બે દીકરીઓને વળાવવાની બાકી હતી. હજી તો અમારે, જીવનના ઉત્તરાર્ધમાં વસુધામાં સાથે રહીને ઘણો આનંદ કરવાનો હતો. હજી તો સાથે મળીને ગુજરાતનાં તમામ ગામોના ઉત્કર્ષ માટે મથવાનું હતું, હજી તો તેમની પાસેથી અનેક રમૂજો સાંભળવાની હતી.. હજી તો…..જોકે ખબર છે કે આ હજી તો.. નો હવે કોઈ જ અર્થ નથી. તેમનો આત્મા પરમાત્મા સાથે ભળી ગયો છે. મેં નિર્મલભાઈને ફોન પર કહ્યું, તમે સહેજે ચિંતા ના કરતા. ડો. અશોકભાઈનાં બાકી રહેલાં તમામ કાર્યો આપણે સાથે મળીને પૂરાં કરીશું.
ખરેખર અશોકભાઈનો આ સમય ભારતમાં હોવાનો હતો. તેઓ દર વર્ષે અમેરિકાથી ડોકટરોની ફોજ લઈને આવતા અને આહવામાં આદિવાસીઓ માટે આરોગ્ય શિબિરો કરતા. આદિવાસીઓના આરોગ્ય માટે અમેરિકી ફિકર ક્યારેય ઢીલી પડી નહોતી.ગયા વર્ષે આહવામાં સતત છઠ્ઠા વર્ષે આરોગ્ય શિબિર યોજાયો હતો. સેંકડો આદિવાસીઓ ભાઈ-બહેનોને તેનો લાભ મળતો. તેમણે અંગત જહેમત કરીને, અનેક વખત (આશરે 70-80 વખત તો તેઓ આવ્યા જ હશે.) બોસ્ટનથી આહવા આવીને ૧૫ કરોડના ખર્ચે હોસ્પિટલનું નિર્માણ કર્યું હતું. હોસ્પિટલનું નિર્માણ કરીને તેઓ છૂટી નહોતા ગયા તેઓ સતત આ હોસ્પિટલને કાર્યરત રાખી રહ્યા હતા.. ૨૦૧૪થી તેઓ નિયમિત રીતે, દર વર્ષે અમેરિકાના ડોક્ટરો તથા અન્ય સ્ટાફને લઈને આવતા. અહીં વિવિધ રોગોના આરોગ્ય શિબિર યોજાતી. ડાંગના ગરીબ અને શ્રમિક આદિવાસીઓને તેનો લાભ મળતો.
આઠમીથી ૧૬મી ડિસેમ્બર, ૨૦૧૯ સુધી સાત દિવસ માટે આવો શિબિર યોજાયો હતો. કુલ ૬૦ વ્યક્તિની ટીમને લઈને તેઓ અમેરિકાથી આવ્યા હતા. તેમાં ડોક્ટરો હતા, સ્વયંસેવકો હતા, મેડિકલના છેલ્લા વર્ષમાં ભણતા વિદ્યાર્થીઓ પણ હતા. આ આખી ટીમે સતત સાત દિવસ સુધી આરોગ્ય કેમ્પ કર્યો. ગયા વર્ષે ૧,૬૪૦ દર્દીઓની સારવાર કરાઈ હતો. આ છઠ્ઠો કેમ્પ હતો. બધા જ પ્રકારના રોગો માટે આ કેમ્પ હોય છે.
ડો. અશોકભાઈએ એ વખતે પોઝિટિવ મીડિયાને કહ્યું હતું, ડાંગના આદિવાસીઓને હવે ખબર પડી ગઈ છે કે દર વર્ષે ડિસેમ્બરમાં આરોગ્ય શિબિર થાય છે, તેથી તેઓ રાહ જાઈને જ બેઠા હોય છે. ડાંગ જિલ્લામાં આવેલાં વિવિધ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રો પણ આ શિબિરમાં દર્દીઓ મોકલીને સહયોગ આપે છે. પહેલાં આ શિબિરો સાપુતારાની શિલ્પી હોટલમાં થતા હતા, પરંતુ હવે આહવામાં હોસ્પિટલ થઈ જતાં અહીં જ શિબિરોનું આયોજન થાય છે. ચામડીના રોગો, આંખનાં દરદ, પીઠનો દુઃખાવો, કમજારી, બહેનોના પ્રશ્નો એમ વિવિધ પ્રકારની બિમારીના દર્દીઓ અહીં આવે છે.
અમેરિકાથી કરૂણાનો ઝરો લઈને આવતા ડોક્ટરો ખૂબ જ પ્રેમથી આ આરોગ્ય શિબિર કરતા. તેનું નેતૃત્વ ડો. અશોક પટેલ કરતા. અમેરિકાથી આવેલા માયાળુ ડોક્ટરો અને તેમની આખી ટીમને સ્થાનિક સંસ્કૃતિનો સ્પર્શ થાય તે માટે નાનકડો સાંસ્કૃતિક કાર્યક્રમ પણ રાખવામાં આવતો. અમેરિકાથી આવેલી આ ટીમ પ્રકૃતિથી છલોછલ ડાંગના જુદા જુદા વિસ્તારોમાં ફરતી. અરે ! ટીમના કેટલાક સભ્યોએ મહેંદી પણ મૂકાવી હતી.મૂળ સુરતના ડો. અશોક પટેલ વર્ષોથી પરિવાર સાથે બોસ્ટનમાં વસે છે. ડેન્ટિસ્ટ છે. સેવાભાવી અને પરગજુ છે. તેમણે અંગત રસ લઈને, બોસ્ટનથી આહવા સુધીના વારંવાર ધક્કા ખાઈને ૨૬૦૦ ચો.મી. વિસ્તારમાં તેમણે કેજેપી ચેરિટેબલ ટ્રસ્ટના નેજા હેઠળ ભવ્ય હોસ્પિટલની સ્થાપના કરી હતી. ડાંગના આદિવાસીઓને આરોગ્યની સુવિધા આપવાની તેમની પ્રતિબદ્ધતા એટલી બધી મજબૂત હતી કે ગમે તેવા પડકારોને તેઓ ઝીલી લેતા. ગુજરાતને આ એક એવો પટેલ મળ્યો હતો જેણે આદિવાસીઓની ચિંતા કરી અને તેમના માટે મોટું કામ કર્યું.હું તેેમને મજાકમાં કહેતો કે પટેલને પટેલનું તો ઘણું દાઝે, પણ કોઈ પટેલને આદિવાસીઓનું આટલું બધુ દાઝતું હોય એવો જણ પહેલો જોયો.ભગવાન ડો. અશોકભાઈના આત્માને શાંતિ આપે અને તેમના પરિવારને આ આઘાત સહન કરવાની શક્તિ આપે.
રિપોર્ટ:અમરનાથ જગતાપ ડાંગ

