નર્મદા જિલ્લામાં બે દિવસીય રવી કૃષિ મહોત્સવનો પ્રારંભ

શૈશવ રાવ રાજપીપળા

    રાજ્યના કૃષિ, ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ દ્વારા આયોજિત રવિ કૃષિ મહોત્સવ-૨૦૨૩ નર્મદા જિલ્લાના વડામથક રાજપીપળામાં સરદાર ટાઉન હોલ ખાતે નાંદોદના ધારાસભ્ય શ્રીમતી ડૉ. દર્શનાબેન દેશમુખની ઉપસ્થિતિમાં  યોજાયો હતો. આ કાર્યક્રમને સમાંતર જિલ્લાના તમામ પાંચ તાલુકામાં પણ કાર્યક્રમો યોજાયા હતા.

             જિલ્લાના ખેડૂતોને આધુનિક અને પ્રાકૃતિક કૃષિ અંગે માર્ગદર્શન તેમજ ખેડુતલક્ષી વિવિધ સહાય યોજનાઓ અંગેની સમજ આપવા માટે યોજાયેલા બે દિવસીય રવી કૃષિ મહોત્સવને ખૂલ્લો મૂકતા નાંદોદના ધારાસભ્ય શ્રીમતી ડૉ.દર્શનાબેન દેશમુખે જણાવ્યું કે, ખેડૂતો માટે વાવણીથી વેચાણ સુધીની સરકારશ્રીની અનેકવિધ પુરસ્કૃત યોજનાઓ અમલી છે. જેનો બહોળા પ્રમાણમાં લાભ લઈ જિલ્લાના ખેડૂતો આર્થિક સમૃદ્ધિ કેળવી રહ્યાં છે. ખેતી કાર્યોને સરળ અને અસરકારક બનાવવા માટે આધુનિક યંત્રો/ઓજારો થકી ખેડુતો કૃષિ યાંત્રીકરણ અપનાવતા થાય તેવા ઉમદા આશયથી ટ્રેક્ટર સહિતના ઓજારો ખરીદવા નર્મદા જિલ્લામાં છેલ્લા પાંચ વર્ષમાં કુલ ૩૮૦૯ ખેડુતોને ૧૨.૫૩ કરોડ જેટલી સહાય ચુકવવામાં આવી છે. 

             ધારાસભ્યશ્રી દેશમુખે વધુમાં જણાવ્યું કે, ખેડૂતો રાજય સરકારની પુરસ્કૃત યોજનાઓ થકી બીજથી લઇને અન્ય સામગ્રીઓ સહાયથી મેળવી શકે તે માટે જિલ્લામાં છેલ્લા પાંચ વર્ષમાં કુલ ૯૪૪૦ ખેડુતોને રૂપિયા ૬.૪૫ કરોડથી વધુની સહાય ચૂકવવામાં આવી છે. આ ઉપરાંત કેન્દ્ર સરકારની પુરસ્કૃત યોજનાઓ હેઠળ જિલ્લાના ૩૨૧૫ ખેડુતોને રૂપિય ૫.૨૫ કરોડથી વધુ રકમની સહાયનો લાભ આપવામાં આવ્યો છે. પ્રધાનમંત્રી કિસાન સમ્માન નિધિ યોજના અંતર્ગત વાર્ષિક રૂપિયા ૬,૦૦૦/- લેખે વર્ષ ૨૦૧૯થી અત્યાર સુધી કુલ ૧૪ હપ્તા મળીને જીલ્લામાં અંદાજિત એક લાખ ખેડૂત લાભાર્થીનોના ખાતામાં રૂપિયા ૨૧૯ કરોડની સહાય ડાયરેક્ટ બેનેફિસરી ટ્રાન્સફરના માધ્યમથી જમા કરાવ્યા છે. માત્ર એટલું જ નહીં આપત્તિના સમયમાં પણ સરકાર હંમેશાં ખેડૂતોના દ્વારે પહોંચી છે ત્યારે ચાલુ વર્ષે સપ્ટેમ્બર-૨૦૨૩ માસમાં થયેલા ભારે વરસાદ અને નદીઓના ઉપરવાસમાં થયેલા વરસાદને કારણે આવેલા પુરથી થયેલા પાક નુકસાનીના વળતર સ્વરૂપે નર્મદા જિલ્લાના ખેડુતોના ૨૪૦૦ અરજીઓ સામે કુલ રૂપિયા ૫(પાંચ) કરોડથી વધુની સહાય ચુકવવામાં આવી હતી તથા અન્ય ખેડુતોને સહાય ચુકવણીની કાર્યવાહી ચાલુ હોવાનું જણાવ્યુ. આમ, નર્મદા જિલ્લામાં વર્ષ ૨૦૧૫-૧૬થી અત્યાર સુધીમાં ૯૫૦૪૭ જેટલાં ખેડુતોને રૂપિયા ૧૨૧ કરોડથી વધુની સહાય ચુકવવામાં આવી છે. 

           વધુમાં ધારાસભ્યશ્રીએ જણાવ્યું કે, કેન્દ્ર સરકારે શ્રી અન્ન યોજના શરૂ કરી છે જેમાં ભાવિ પેઢીના આરોગ્યની ચિંતા કરી તૃણ ધાન્ય પાકો તરફ ખેડૂતોને પાછા વાળવા હલકા ધાન્યોનું રોજિંદા જીવનમાં મહત્વ વધે અને ખેડૂતોની આવક બમણી થાય તેવો આશય રહેલો છે. સમગ્ર વિશ્વ હલકા ધાન્યોનું મહત્વ સમજી શકે તે માટે મિલેટ વર્ષ ૨૦૨૩ની ઉજવણીની ભેટ પણ દુનિયાને ભારતે આપી છે. જેની સાથે પ્રાકૃતિક કૃષિને પણ પ્રાધાન્ય આપવામાં આવી રહ્યું છે. તૃણ ધાન્ય પાકોની પરંપરાગત ખેતી ખાસ કરીને આદિવાસી વિસ્તારોમાં થાય છે ત્યારે આપણા નર્મદા જિલ્લાના ખેડૂતો પણ તૃણ ધાન્ય પાકોને પ્રાધાન્ય આપી આગળ વધે અને નાગરિકો પોતાના ખોરાકમાં રોજીંદો ઉપયોગ કરી પોતાનું જીવન નિરોગી બનાવે તેવી અપીલ પણ કરી હતી. 

           મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઈ પટેલની ઉપસ્થિતિમાં અમદાવાદના પિરાણા ખાતે યોજાયેલા રાજ્ય કક્ષામા રવી કૃષિ મહોત્સવનું જીવંત પ્રસારણ આ તબક્કે કાર્યક્રમમાં ઉપસ્થિત સૌએ નિહાળ્યું હતું. 

           રવી કૃષિ મહોત્સવ અંતર્ગત કાર્યક્રમ સ્થળે કૃષિ ક્રાંતિને પ્રેરિત કરતા વિવિધ ૨૪ જેટલા સ્ટોલ્સ ઊભા કરી નિદર્શન કરવામાં આવ્યું હતું. બે દિવસ સુધી ચાલનારા આ સ્ટોલ પ્રદર્શનીની પ્રથમ દિવસે મોટી સંખ્યામાં ખેડૂતોએ મુલાકાત કરી હતી. જેમાં પ્રાકૃતિક અને પરંપરાગત કૃષિ (તૃણધાન્ય)ના ઉપયોગ, તેના પોષકગુણો, પાક ઉત્પાદન, જમીનની ગુણવત્તામાં વધારો, આવકમાં વધારો, ખર્ચમાં ઘટાડો જેવી બાબતોથી માહિતગાર કરવામાં આવ્યા હતા. નર્મદા જિલ્લામાં પરંપરાગત ખેતી અને મિલેટ્સના ઉપયોગ અંગે લોકજાગૃતિ આણવાનુ કાર્ય થઈ રહ્યું છે ત્યારે અહીં મિલેટ્સમાંથી બનતી વાનગીઓનો પણ સંકલિત બાળવિકાસ યોજના અંતર્ગત નાંદોદ ઘટકના આંગણવાડીના બહેનો દ્વારા સ્ટોલ પ્રદર્શન થકી લોકોને જાગૃત કરવામાં આવ્યા હતા.

            અત્રે ઉલ્લેખનીય છે કે, જિલ્લા ખેતીવાડી વિભાગને લગતી પીએમ કિસાન યોજના સહિત તમામ યોજનાકીય માહિતી અને લાભો, ઇકેવાયસી, લેન્ડ સીડીંગની કામગીરી સહિત બેનર, પેમ્પલેટ્સ તથા સાહિત્ય વિતરણ દ્વારા ખેડૂતોને માહિતગાર કરવામાં આવ્યા હતા. આત્મા પ્રોજેક્ટ અંતર્ગત ખેડૂતોને ગાય આધારિત પ્રાકૃતિક ખેતીના આયામો બીજામૃત, જીવામૃત, ઘન જીવામૃત સહિતની ખેતી પદ્ધતિથી પણ વાકેફ કરવામાં આવ્યા હતાં.

             કૃષિ પરિસંવાદ અને કૃષિ પ્રદર્શન સાથે સેવાસેતુ કાર્યક્રમ, કૃષિ યુનિવર્સિટીના નિષ્ણાંતો દ્વારા ખેતી લક્ષી તાંત્રિક માર્ગદર્શન, પ્રાકૃતિક કૃષિ કરતાં/FPOની કામગીરી કરતા પ્રગતિશીલ ખેડૂતોના અનુભવો, લાભાર્થી ખેડુતોને વિવિધ સહાય યોજના અંતર્ગત ચેક/મંજુરી પત્રોનું વિતરણ, બેસ્ટ ફાર્મર એવોર્ડ(આત્મા)થી ખેડુતોનું સન્માન કરવામાં આવ્યું હતું.  

             નાંદોદના સરદાર ટાઉન હોલ રાજપીપળાને સમાંતર જિલ્લાના ગરૂડેશ્વર તાલુકાના ધામધ્રા, તિલકવાડા તાલુકાના કે.એમ.શાહ સાર્વજનિક હાઈસ્કુલ, દેડિયાપાડાના પ્રાથમિક શાળા રેલવાના મેદાન, સાગબારા તાલુકાના નાના ડોરઆંબા ખાતે પણ સ્ટોલ્સ ઉભા કરવામાં આવ્યા હતા. 

             ટાઉનહોલ-રાજપીપલાના કાર્યક્રમમાં કલેટર સુશ્રી શ્વેતા તેવતિયા, જિલ્લા વિકાસ અધિકારીશ્રી અંકિત પન્નુ, સુપર ન્યુમરી આસિસ્ટન્ટ કલેટર સુશ્રી પ્રતિભા દહિયા, નાંદોદ તાલુકા પંચાયના પ્રમુખ શ્રીમતી વનિતાબેન વસાવા, સ્થાનિક અગ્રણીઓશ્રી નિકુંજભાઈ પટેલ અને દિલીપસિંહ ગોહીલ સહિત જિલ્લા વહીવટતંત્રના અધિકારીશ્રીઓ અને ખેડૂતો ઉપસ્થિત રહ્યા હતા.

તમારો પ્રતિભાવ આપો

Your email address will not be published. Required fields are marked *