


રિપોર્ટ : બીના પટેલ
મહાનુભાવોના હસ્તે વિવિધ યોજનાના લાભાર્થીઓને લાભોનું વિતરણ કરાયું
કેન્દ્રીય નાણાં રાજ્યમંત્રીશ્રીના હસ્તે કાવીઠા ખાતે નિર્માણ પામેલ કવચ વનનું લોકાર્પણ
દેશને વિકસિત બનાવવામાં સૌને સહભાગી બનવાનું આહવાન કરતા કેન્દ્રીય નાણાં રાજ્ય મંત્રી શ્રી ડૉ. ભાગવત કરાડ
આણંદ, ગુરુવાર વિકસિત ભારત સંકલ્પ યાત્રાના માધ્યમથી લોકોને સરકારની વિવિધ યોજનાઓના લાભો પહોંચાડવામાં આવી રહ્યા છે. આણંદ જિલ્લામાં ૩૦ મી નવેમ્બર ૨૦૨૩ થી આરંભાયેલી વિકસિત ભારત સંકલ્પ યાત્રા અંતર્ગત કેન્દ્રીય નાણાં રાજ્ય મંત્રી શ્રી ડૉ. ભાગવત કરાડના અધ્યક્ષસ્થાને બોરસદ તાલુકાના કાવીઠા ખાતે કાર્યક્રમ યોજાયો હતો.
આ પ્રસંગે કેન્દ્રીય નાણાં રાજ્ય મંત્રી શ્રી ડૉ. ભાગવત કરાડે જણાવ્યું હતું કે, પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીના માર્ગદર્શન હેઠળ કેન્દ્ર અને રાજ્ય સરકાર દ્વારા અનેક કલ્યાણકારી યોજનાઓ અમલી બનાવાય છે. આ યોજનાઓને છેવાડાના માનવી સુધી પહોંચાડવાનું કામ જન પ્રતિનિધિઓ, અધિકારીઓ તથા પદાધિકારીઓનું છે. દેશ દરેક ક્ષેત્રમાં વિકાસની હરણફાળ ભરી રહ્યો છે ત્યારે દેશને વિકસિત બનાવવામાં સૌને સહભાગી બનવા મંત્રીશ્રીએ આહવાન કર્યું હતું.
કાર્યક્રમ દરમિયાન મંત્રીશ્રી, મહાનુભાવો અને ગ્રામજનોએ પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઇ મોદીના લાભાર્થીઓ સાથેના સંવાદનું જીવંત પ્રસારણ, વિકસિત ભારતનો વિડિઓ તથા પ્રધાનમંત્રીશ્રીનો રેકોર્ડેડ વિડીઓ સંદેશ નિહાળ્યો હતો. આ પ્રસંગે મંત્રીશ્રી તથા મહાનુભાવોના હસ્તે લાભાર્થીઓને સરકારની વિવિધ યોજનાઓના લાભોનું વિતરણ અને શ્રેષ્ઠ પ્રદર્શન કરનાર વિદ્યાર્થીઓને સન્માવવામાં આવ્યા હતા. આ ઉપરાંત વન વિભાગ દ્વારા કાવીઠા ખાતે નિર્માણ પામેલ કવચ વનનું મંત્રીશ્રીના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું હતું.
આ કાર્યક્રમ દરમિયાન સરકારની વિવિધ યોજનાના લાભો મેળવનાર લાભાર્થીઓએ મેરી કહાની મેરી જુબાની અંતર્ગત તેમને મળેલ સરકારી યોજનાના લાભો અંગે પ્રતિભાવો રજૂ કર્યા હતા. કાવીઠા હાઈસ્કૂલની વિદ્યાર્થીનીઓએ સાંસ્કૃતિક ગીત રજુ કર્યું હતું.
મંત્રીશ્રી તથા મહાનુભાવોએ પશુપાલન, ખેતીવાડી, બેંક, પુરવઠા, આરોગ્ય, આઈ.સી.ડી.એસ., હર ઘર જલ, આધારકાર્ડ, આયુષમાન કાર્ડ જેવા વિવિધ સ્ટોલની મૂલાકાત લઇ જાણકારી મેળવી હતી તથા ડ્રોનનું નિદર્શન કર્યું હતું. આ તકે લીડ બેંક મેનેજર ડૉ. અભિષેક પરમારે બેંક દ્વારા અમલી સરકારની વિવિધ યોજનાઓ વિશે વિસ્તૃત માહિતી આપી હતી. આ પ્રસંગે નાયબ મુખ્ય દંડક શ્રી રમણભાઈ સોલંકી, સાંસદ શ્રી મિતેષભાઈ પટેલ, જિલ્લા કલેક્ટર શ્રી પ્રવીણ ચૌધરી, જિલ્લા વિકાસ અધિકારી શ્રી મિલિંદ બાપના, ધારાસભ્ય શ્રી કમલેશભાઈ પટેલ, નાયબ વન સંરક્ષક શ્રી એન.ડી. ઇટાલિયન, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામકશ્રી જે.વી. દેસાઈ, નાયબ જિલ્લા વિકાસ અધિકારી શ્રી મિહિકા પરમાર, જિલ્લા પંચાયત સદસ્ય શ્રી જયંનસિહ ચૌહાણ, જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી શ્રી અર્ચના પ્રજાપતિ, અગ્રણી શ્રી રાજેશભાઈ પટેલ, રાકેશભાઈ શાહ, તાલુકા પંચાયત પ્રમુખશ્રી, ગામના સરપંચશ્રી, અધિકારી-કર્મચારીઓ સહિત મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.
