
કલોલ ખાતે ગુજરાત ટીમ્બર મર્ચન્ટ એસોસિયેશનના ઉપક્રમે પર્યાવરણ સંરક્ષણ હેતુ કલોલ ટીમ્બર મરચન્ટ એસોસિયેશનનો સેમિનાર યોજાઈ ગયો હતો.
આ સેમિનારમાં સમગ્ર કલોલ તાલુકામાં ૧ લાખ થી વધુ રોપાઓનું વાવેતર અને તેનો ઉછેર કરવા માટેનો નિર્ધાર વ્યકત કરવામાં આવ્યો હતો. સમગ્ર એસોસિયેશન દ્વારા ગ્રીન વોરિયર તૈયાર કરીને સમગ્ર તાલુકામાં ગ્રીન કવર વધે તે દિશામાં નક્કર કામગીરી માટે પૂર્વ આયોજન આ સેમિનારમાં કરવાંમાં આવ્યું હતું.
અત્રે ઉલ્લેખનીય છે કે સમગ્ર વિશ્વમાં ગ્લોબલ વોર્મિંગની સમસ્યા વિકરાળ બની છે. પૃથ્વી પરનું તાપમાન દિવસે ને દિવસે વધી રહ્યું છે. કોંક્રિટના જંગલો વધવાને કારણે અને વિકાસની આંધળી દોટમાં વૃક્ષોની સંખ્યા સતત ઘટી રહી છે. પરિણામે ગીન કવર ઘટવાથી સમગ્ર ઇકો સિસ્ટમ અને પશુ પક્ષીઓ તેમજ ઋતુચક્ર પર તેની સીધી અસર થઈ રહી છે. આ સમસ્યાના નિવારણનો એકમાત્ર ઉપાય વધુમાં વધુ વૃક્ષોનું વાવેતર છે. કલોલ ટીમ્બર મરચન્ટ એસોસિયેશન દ્વારા પોતાની માનવીય જવાબદારીના ભાગરૂપે આ અભિયાન શરૂ કરવાનું નક્કી કર્યું હતું તેમજ કલોલ તાલુકાના સર્વે નાગરિકોને પણ આ અભિયાનમાં જોડાવા અને સાથ સહયોગ આપી સમગ્ર કલોલ તાલુકાને હરિયાળો બનાવવા અપીલ પણ કરી હતી.
આ કાર્યક્રમમાં ગુજરાત ટિમ્બર મર્ચન્ટ ફેડરેશન.પ્રમુખશ્રી જયંતીભાઈ પોકાર, મંત્રી શ્રી તુલસીભાઈ કલોલ ટીમ્બર એસોસિયેશનના પ્રમુખ શ્રી પ્રવીણભાઈ પટેલ, મોહનભાઈ પટેલ, દિનેશભાઈ પટેલ, યોગેશભાઈ પટેલ, નિતેશભાઇ પટેલ, ગૌતમભાઈ પટેલ સહિતના હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા.
