છેવાડાના માનવી અને સરહદી ગામોમાં સુખાકારી અને સુવિધા પહોંચાડવા સરકાર કટિબદ્ધ – આદિજાતિ વિકાસ મંત્રીશ્રી નરેશભાઈ પટેલ,

કમલમ રાકેશ વાળા,

ગુજરાત રાજ્ય માર્ગ વાહનવ્યવહાર નિગમ દ્વારા તાપી જિલ્લાના ઉકાઈ ખાતે મુસાફરોની સુવિધામાં વધારો કરવાના શુભ આશય સાથે અંદાજિત રૂ. ૩.૭૫ કરોડના ખર્ચે નવનિર્મિત થનાર એસ.ટી. બસ સ્ટેશનનું રાજ્યના આદિજાતિ વિકાસ મંત્રી અને જિલ્લાના પ્રભારી મંત્રીશ્રી નરેશભાઈ પટેલ અને રાજ્યમંત્રી ડૉ. જયરામભાઈ ગામીતના હસ્તે શાસ્ત્રોક્ત વિધિ દ્વારા ભૂમિપૂજન કરીને વિધિવત ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું.

આ પ્રસંગે મંત્રીશ્રી નરેશભાઈ પટેલે જણાવ્યું હતું કે, વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીના માર્ગદર્શન અને મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં રાજ્ય સરકાર આદિવાસી સમુદાયના સર્વાંગી ઉત્કર્ષ માટે કટિબદ્ધ છે. છેવાડાના માનવીની સુખાકારીને પ્રાધાન્ય આપી સરકારે સરહદી ગામોમાં પણ કનેક્ટિવિટી અને પાયાની સુવિધાઓ ઉપલબ્ધ કરાવી છે. અંતરિયાળ વિસ્તારના બાળકોના શિક્ષણમાં સમયનો કોઈ અવરોધ ન આવે તે માટે સરકારે ટ્રાન્સપોર્ટ અને એસ.ટી. બસ પાસ જેવી સેવાઓ સુદ્રઢ કરી શિક્ષણને વધુ સરળ અને સુલભ બનાવ્યું છે.

આ તકે રાજ્યમંત્રી ડૉ. જયરામભાઈ ગામીતે જણાવ્યું કે, મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં રાજ્ય સરકાર રાજ્યના પ્રત્યેક નાગરિકના કલ્યાણ માટે કાર્યરત છે. ઉકાઈ ખાતે આગામી સમયમાં નિર્માણ પામનાર અત્યાધુનિક સુવિધાયુક્ત બસ સ્ટેશન મુસાફરોની સુવિધામાં વધારો કરશે અને સ્થાનિક પરિવહન સેવાને વધુ સરળ તેમજ સુદ્રઢ બનાવશે.

રાજ્ય સરકારશ્રી તરફથી નિગમને ઇન્ફ્રાસ્ટ્રકચર અપગ્રેડેશન પેટે ફાળવેલ સહાય થકી સુરત એસ.ટી. વિભાગના ઉકાઈ ખાતે આર.સી.સી. ફ્રેમ સ્ટ્રકચરવાળું નવીન બસ સ્ટેશન અંદાજિત ૨૪૦૦ ચો.મી. વિસ્તારમાં રૂ. ૩૭૫ લાખના ખર્ચે એક અત્યાધુનિક બસ સ્ટેશનનું નિર્માણ થવા જઈ રહ્યું છે. આ નવા સંકુલમાં મુસાફરો માટે ૫ પ્લેટફોર્મ, ૧૩૨ ચો.મી.નો વિશાળ વેઇટિંગ એરિયા, કેન્ટીન, સ્ટોલ્સ અને શૌચાલય જેવી પાયાની સુવિધાઓ ઉપલબ્ધ કરાશે.

મુસાફરોની સુરક્ષા માટે સમગ્ર સ્ટેશનમાં સીસીટીવી કેમેરા લગાવવામાં આવશે, જ્યારે દિવ્યાંગોની સુવિધા માટે ખાસ સ્લોપિંગ રેમ્પ અને અલગ શૌચાલયની વ્યવસ્થા પણ કરવામાં આવી છે. મુસાફરોની સાથે એસ.ટી. નિગમના કર્મચારીઓની જરૂરિયાતોને ધ્યાનમાં રાખીને પ્રથમ માળ પર લાઇન ચેકિંગ રૂમ અને ડ્રાઇવર-કન્ડક્ટર માટે રેસ્ટ રૂમ બનાવવામાં આવશે. આ ઉપરાંત, સંકુલમાં પાર્સલ રૂમ, ટિકિટ રૂમ અને વોટર રૂમ જેવી સુવિધાઓ પણ સામેલ હશે. આ સુવિધાજનક બસ સ્ટેશન કાર્યરત થવાથી ઉકાઈ અને આસપાસના ગ્રામ્ય વિસ્તારોના હજારો નાગરિકોને પરિવહનની શ્રેષ્ઠ સેવાઓ એક જ સ્થળેથી મળી રહેશે.

આ તકે, પૂર્વ રાજ્યમંત્રીશ્રી કુંવરજીભાઈ હળપતિ, જિલ્લાના અગ્રણીશ્રી સુરજભાઈ વસાવા, સોનગઢ નગરપાલિકા પ્રમુખશ્રી સારિકાબેન પાટીલ, સ્થાનિક હોદ્દેદારો, આગેવાનો, સુરત એસ.ટી.ના વિભાગીય નિયામકશ્રી પંકજ ગુર્જર, સોનગઢ ડેપોશ્રી બલરામ પટેલ સહિત મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.

KAMALAM DAILY

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

SCAM SCAM