
‘જો હૈયામાં હામ હોય અને કામ કરવાની નિષ્ઠા હોય તો કોઈ કામ નાનું નથી’ આ સૂત્રને ગાંધીનગરની દીકરી રીતુ શાહે સાર્થક કરી બતાવ્યું છે. શિક્ષણથી સ્વરોજગારી સુધીની સફરમાં યુવાનો જ્યારે માત્ર એકજ દિશામાં દોટ મૂકી રહ્યા છે ત્યારે, ગાંધીનગરની કોલેજમાં અંગ્રેજી વિષય સાથે અનુસ્નાતક થયા પછી રીતુ શાહે કંઈક અલગ કરવાની તમન્ના સાથે પોતાના શોખ ‘કુકિંગ’ને જ પોતાની કારકિર્દી બનાવવાનું નક્કી કર્યું.
તેમણે પરંપરાગત બેકિંગને બદલે ‘હેલ્ધી બેકિંગ’ના કોન્સેપ્ટ પર ધ્યાન કેન્દ્રિત કર્યું અને નવી કેડી કંડારી.
રીતુબેનની આ સફરમાં રાજય સરકારના બે મહત્વના અભિયાનોએ પાયાની ભૂમિકા ભજવી, જેમાં મેદસ્વીતા મુક્તિ અભિયાન થકી લોકોને જંક ફૂડથી દૂર કરી સ્વાસ્થ્યપ્રદ ખોરાક તરફ વાળવા તથા શ્રી અન્ન એટલે કે મિલેટ્સ અભિયાન અંતર્ગત પૌષ્ટિક જાડા ધાન્યને ઘર-ઘર સુધી પહોંચાડવાની કામગીરી.
આ અભિયાનોથી પ્રેરાઈને રીતુએ મેંદાને બદલે મિલેટ્સ ધાન્ય જેવા કે બાજરી, જુવાર, રાગી વગેરે માંથી બેકરી આઈટમો બનાવવાનું સાહસ ખેડ્યું. શરૂઆતમાં અનેક મુશ્કેલીઓ આવી, પરંતુ હાર માન્યા વગર તેમણે પ્રયોગો ચાલુ રાખ્યા.
¤ મિલેટ્સમાંથી આધુનિક વાનગીઓનું સર્જન
બાળકો અને આજની પેઢીને ભાવે તેવી આધુનિક વાનગીઓને રીતુએ હેલ્ધી ટ્વિસ્ટ આપ્યો. આજે તેઓ મિલેટ્સમાંથી પૌષ્ટિક કુકીઝ અને બિસ્કિટ,હેલ્ધી કપ કેક અને બ્રાઉની,
મિલેટ આધારિત પિઝા બેઝ અને બર્થડે કેક બનાવી રહ્યા છે. ખાસ કરીને બર્થડે પાર્ટીઓ અને મોટા સેલિબ્રેશનમાં હવે મિલેટ કેક અને બ્રાઉનીની માંગમાં જબરો ઉછાળો જોવા મળી રહ્યો છે.
સરકારનો સાથ અને સફળતાનો સ્વાદ
પોતાના વ્યવસાયના પ્રચાર વિશે રીતુબેન જણાવે છે કે, “સરકાર દ્વારા યોજાતા વિવિધ મેળા, ફૂડ ફેસ્ટિવલ અને મિલેટ મહોત્સવ મારા માટે વરદાન સાબિત થયા છે. આ પ્લેટફોર્મ દ્વારા મારી પ્રોડક્ટ્સ સીધી લોકો સુધી પહોંચી શકી.” જે વ્યવસાય શરૂઆતમાં પડકારજનક લાગતો હતો, તે આજે ફૂલ-ટાઈમ સફળ બિઝનેસ બની ગયો છે અને તેમને ઘરે બેઠા જ મોટા પ્રમાણમાં ઓર્ડર મળી રહ્યા છે.
રીતુ શાહની આ ગાથા સાબિત કરે છે કે, જો તમારી પાસે આવડત હોય અને તેને સરકારના વિઝન સાથે જોડવામાં આવે, તો તમે માત્ર આત્મનિર્ભર જ નથી બનતા, પણ સમાજને ‘સ્વાસ્થ્ય’ ભેટ તરીકે આપો છો. આજે રીતુબેન ગાંધીનગરની અન્ય યુવતીઓ માટે ‘વુમન એમ્પાવરમેન્ટ’નું ઉત્તમ ઉદાહરણ બન્યા છે.
આ માટે તેઓ જણાવે છે કે,”મેં જે દિશા પસંદ કરી હતી, તેમાં રાજય સરકારના મહત્વના અભિયાનો અને સ્ટોલની સુવિધાએ મારો માર્ગ સરળ બનાવ્યો છે, તે બદલ હું રાજય સરકારની આજીવન આભારી રહીશ”
