ગાંધીનગરમાં ૪૧મા રાષ્ટ્રીય ચક્ષુદાન પખવાડિયા નિમિત્તે GMERS દ્વારા જાગૃતિ વ્યાખ્યાન અને ભવ્ય રેલી યોજાઈ

આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ હેઠળ કાર્યરત GMERS મેડિકલ કોલેજ અને જનરલ હોસ્પિટલ, ગાંધીનગર દ્વારા ૪૧મા રાષ્ટ્રીય ચક્ષુદાન પખવાડિયાની ઉજવણીના ભાગરૂપે આજે ચક્ષુદાન જાગૃતિ વ્યાખ્યાન તથા ભવ્ય જાગૃતિ રેલીનું સફળ આયોજન કરવામાં આવ્યું હતું. સમાજમાં નેત્રદાન અંગે વ્યાપક જાગૃતિ કેળવાય અને અંધત્વ મુક્ત ભારતના નિર્માણમાં નાગરિકો સહભાગી બને તે હેતુથી આ કાર્યક્રમ યોજાયો હતો.

કાર્યક્રમ દરમિયાન ચક્ષુદાનની પ્રક્રિયાને વેગ આપવા અને લોકોને નેત્રદાન માટે પ્રેરિત કરવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવનાર આરોગ્યસંભાળ કાર્યકરો, તબીબો, નર્સિંગ સ્ટાફ અને લેબોરેટરી ટેકનિશિયનોનું વિશિષ્ટ સન્માન કરી તેમની ઉત્કૃષ્ટ સેવાઓને બિરદાવવામાં આવી હતી.

જાગૃતિ વ્યાખ્યાન બાદ યોજાયેલી ભવ્ય રેલીમાં મેડિકલ સુપરિન્ટેન્ડેન્ટ ડૉ. મીતા પરીખ, આસિસ્ટન્ટ સીઈઓ ડૉ. પંકજ મહેરિયા, નેત્રરોગ વિભાગના વડા (HOD) ડૉ. વૈશાલી પ્રજાપતિ, એસોસિયેટ પ્રોફેસર ડૉ. શિલ્પા ભટ્ટ સહિત હોસ્પિટલના ફેકલ્ટી સભ્યો, મેડિકલ ઇન્ટર્ન્સ, અનુસ્નાતક નિવાસી (PG) તબીબો ઉપસ્થિત રહ્યા હતા. આ ઉપરાંત ‘સક્ષમ’ NGO, રેડક્રોસ સોસાયટી અને JUCICA ના પ્રતિનિધિઓ સહિત ૧૦૦થી વધુ સહભાગીઓએ ઉત્સાહભેર ભાગ લીધો હતો.

રેલી દરમિયાન સહભાગીઓએ “જીવન સાથે રક્તદાન, મૃત્યુ પછી ચક્ષુદાન” જેવા પ્રેરણાદાયી સૂત્રોચ્ચાર દ્વારા નાગરિકોને ચક્ષુદાન માટે જાગૃત કર્યા હતા. GMERS હોસ્પિટલ તંત્ર દ્વારા રાજ્યના તમામ નાગરિકોને સ્વેચ્છાએ ચક્ષુદાન કરવાનો સંકલ્પ લેવા અને મૃત્યુ પછી અન્ય જરૂરિયાતમંદ લોકોને દૃષ્ટિ આપવાના આ મહાદાનમાં જોડાવા ભાવભરી અપીલ કરવામાં આવી છે.

નેત્રદાન સંકલ્પ અને આઇ બેંક સંપર્ક વિગત
ચક્ષુદાન અંગેની વધુ માહિતી અને નોંધણી માટે GMERS આઇ બેંક હેલ્પલાઇન નંબર: ૯૫૧૦૨૭૭૦૪૩ પર સંપર્ક કરવા જણાવાયું છે.

તમારો પ્રતિભાવ આપો

Your email address will not be published. Required fields are marked *