ગોકુલ ગ્લોબલ યુનિવર્સિટીમાં 59મા એન્જિનિયર્સ ડેની ભવ્ય ઉજવણી, બલવંતસિંહ રાજપૂતે યુવા ઇજનેરોને કર્યા પ્રેરિત

રાષ્ટ્રનિર્માણમાં એન્જિનિયરોની ભૂમિકા સૌથી મહત્વપૂર્ણ: બલવંતસિંહ રાજપૂત

સિદ્ધપુર: ગોકુલ ગ્લોબલ યુનિવર્સિટી, સિદ્ધપુરની ફેકલ્ટી ઓફ એન્જિનિયરિંગ અને ધ ઇન્સ્ટિટ્યુશન ઓફ એન્જિનિયર્સ (ઇન્ડિયા), ગુજરાત સ્ટેટ સેન્ટર–અમદાવાદના સંયુક્ત ઉપક્રમે 59મા એન્જિનિયર્સ ડે–2026 ની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી.“Engineering Excellence for a Sustainable and Technologically Sovereign India” ની થીમ સાથે યોજાયેલા આ વિશેષ કાર્યક્રમમાં મુખ્ય અતિથિ તરીકે રાજ્યના પૂર્વ મંત્રી અને સિદ્ધપુરના ધારાસભ્ય શ્રી બલવંતસિંહ રાજપૂત સાહેબ ઉપસ્થિત રહ્યા હતા.કાર્યક્રમને સંબોધતા શ્રી બલવંતસિંહ રાજપૂતે ભારત રત્ન સર એમ. વિશ્વેશ્વરૈયાના અદ્વિતીય યોગદાનને સ્મરણ કરી તમામ એન્જિનિયરોને શુભકામનાઓ પાઠવી હતી. તેમણે જણાવ્યું હતું કે, રાષ્ટ્રનિર્માણમાં એન્જિનિયરોની ભૂમિકા અત્યંત મહત્વપૂર્ણ છે. નર્મદાનું પાણી સૌરાષ્ટ્ર-કચ્છ સુધી પહોંચાડવાની કામગીરી હોય, જ્યોતિગ્રામ જેવી યોજના હોય કે આધુનિક પરિવહન અને ટેક્નોલોજીનું નિર્માણ—ઇજનેરી કુશળતા વિકાસની યાત્રાનું મહત્વનું આધારસ્તંભ બની છે. આ સાથે તેમણે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબના જન્મદિવસ નિમિત્તે પણ શુભેચ્છાઓ પાઠવી હતી.આ પ્રસંગે IEI ગુજરાત સ્ટેટ સેન્ટરના ચેરમેન એન્જિનિયર શ્રી એમ. ડી. પટેલ, એન્જિનિયર શ્રી હિમાંશુ ટી. શાહ, એન્જિનિયર શ્રી જે. એ. ગાંધી, ગોકુલ ગ્લોબલ યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલર પ્રો. એમ. એસ. રાવ, રજિસ્ટ્રાર ડૉ. ચેતનસિંહ વાઘેલા તેમજ યુનિવર્સિટીના તમામ ફેકલ્ટીના ડીન, અધ્યાપકો અને મોટી સંખ્યામાં યુવા વિદ્યાર્થી મિત્રો ઉપસ્થિત રહ્યા હતા.અંતે યુવા એન્જિનિયરો નવીનતા, ટેક્નોલોજી અને પોતાની પ્રતિભાથી દેશના ઉજ્જવળ ભવિષ્યના નિર્માણમાં મહત્વપૂર્ણ યોગદાન આપે તેવી શુભકામનાઓ પાઠવવામાં આવી હતી.