કેન્દ્રીય ગૃહ મંત્રાલય અને નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઑફ ડિઝાઇન(NID), અમદાવાદ વચ્ચે ‘પ્રોજેક્ટ વિશ્વાસ’ હેઠળ છત્તીસગઢમાં CAPF કેમ્પ વિકસાવાશે

ભારત સરકારના ગૃહ મંત્રાલય (MHA) અને નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઑફ ડિઝાઇન (NID), અમદાવાદ વચ્ચે પ્રોજેક્ટ વિશ્વાસ હેઠળ પાયલોટ પહેલના ભાગરૂપે છત્તીસગઢમાં પાંચ કેન્દ્રીય સશસ્ત્ર પોલીસ દળો (CAPF)ના કેમ્પને ‘શહીદ વીર ગુંડાધુર સેવા ડેરા જન સુવિધા કેન્દ્ર’ તરીકે વિકસાવવા માટે MoU કરવામાં આવ્યા છે.

કેન્દ્રીય ગૃહ વિભાગ વતી ડેપ્યુટી સેક્રેટરી વીરેન્દ્ર કુમાર મિશ્રા તેમજ NIDના ડાયરેક્ટર ડૉ. અશોક મોંડલ દ્વારા આ MoU કરાયા હતા.

આ પહેલનો ઉદ્દેશ પસંદ કરાયેલા સુરક્ષા કેમ્પને એકીકૃત સામુદાયિક સંસાધન અને વિકાસ કેન્દ્રોમાં પરિવર્તિત કરવાનો છે. આ કેન્દ્રો દ્વારા જાહેર સેવાઓ સુધી નાગરિકોની પહોંચ સરળ બનાવવી, સ્થાનિક આજીવિકાને મજબૂત કરવી, કૌશલ્ય વિકાસને પ્રોત્સાહન આપવું તથા સામાજિક અને આર્થિક વિકાસને વેગ આપવાનો હેતુ છે. આ સમગ્ર પ્રક્રિયામાં સ્થાનિક આદિવાસી સંસ્કૃતિ અને સમુદાયની આકાંક્ષાઓનું સન્માન કરવામાં આવશે.

આ પહેલના પ્રથમ તબક્કામાં પાંચ કેમ્પની પસંદગી કરવામાં આવી છે, જેમાં બસ્તર જિલ્લામાં નેતાનાર કેમ્પ, સુકમા જિલ્લામાં રામારામ કેમ્પ, દંતેવાડા જિલ્લામાં રેંગાનાર કેમ્પ, બીજાપુર જિલ્લામાં પેડ્ડાકોડેપાલ કેમ્પ અને નારાયણપુર જિલ્લામાં ઇરકભટ્ટી કેમ્પનો સમાવેશ થાય છે.

આ પહેલમાં સ્થાનિક જરૂરિયાતો અને તકોને અનુરૂપ સુવિધાઓ તથા વિકાસ માટે NIDની ડિઝાઇન, સંશોધન અને નવીનતાના બહુઆયામી કૌશલ્યનો ઉપયોગ કરવામાં આવશે. આ પ્રોજેક્ટ NIDના ‘ડિઝાઇન રિસર્ચ એન્ડ ઇનોવેશન સેન્ટર ફોર નેશન બિલ્ડિંગ’ દ્વારા હાથ ધરવામાં આવશે. આ કેન્દ્ર રાષ્ટ્રીય મહત્ત્વના અને સામાજિક વિકાસ તથા રાષ્ટ્રનિર્માણમાં યોગદાન આપતા પ્રોજેક્ટ પર કાર્ય કરે છે.

આ સંદર્ભે NID અમદાવાદની ટીમે રાજ્ય સરકારના અધિકારીઓ સાથે પસંદ કરાયેલા પાંચેય કેમ્પની મુલાકાત લીધી હતી. આ દરમિયાન ટીમે સ્થાનિક રહેવાસીઓ, સરકારી અધિકારીઓ, સ્વસહાય જૂથો અને અન્ય હિતધારકો સાથે સંવાદ કરીને સ્થાનિક સામાજિક-આર્થિક પરિસ્થિતિ, હાલની આજીવિકાની પદ્ધતિઓ અને સમુદાયની જરૂરિયાતોને સમજવાનો પ્રયાસ કર્યો હતો.

આ ચર્ચા-પરામર્શ પરથી NID દ્વારા ગૃહ મંત્રાલયને રજૂ કરાયેલા રોડમેપ અને દરખાસ્તના આધારે ગૃહ મંત્રાલયના વરિષ્ઠ અધિકારીઓ દ્વારા પાયલોટ તબક્કા માટે આ પાંચ કેમ્પની પસંદગી કરવામાં આવી હતી.

સમજૂતી કરાર હેઠળ આ કેમ્પને ચાર મુખ્ય ઉદ્દેશો—જન સુવિધા, સામુદાયિક વિકાસ, સામાજિક વિકાસ અને આર્થિક વિકાસ—ને ધ્યાનમાં રાખીને આયોજનબદ્ધ રીતે વિકસાવવામાં આવશે.

પ્રસ્તાવિત કેન્દ્રોમાં જાહેર સેવાઓ અને ડિજિટલ સહાય માટે જન સુવિધા કેન્દ્રો તેમજ કૌશલ્ય વિકાસ અને વ્યવસાયલક્ષી તાલીમની સુવિધાઓ ઉપલબ્ધ કરાવવાનું આયોજન છે. આ ઉપરાંત, આરોગ્યસંભાળ, રમતગમત, સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ અને સામુદાયિક સુખાકારીને પ્રોત્સાહન આપવામાં આવશે.

આ પહેલનો હેતુ સર્વસમાવેશક સામુદાયિક વિકાસ, ઉદ્યોગસાહસિકતા અને ટકાઉ આજીવિકાને પ્રોત્સાહન આપવાનો છે. જે અંતર્ગત, લઘુ વન પેદાશોના પ્રોસેસિંગ, મૂલ્યવર્ધન, બ્રાન્ડિંગ અને પેકેજિંગ દ્વારા સ્થાનિક આજીવિકાને મજબૂત બનાવવામાં આવશે. સાથે જ, ઉદ્યોગસાહસિકતા વિકસાવવા, બજાર સાથે જોડાણો સ્થાપિત કરવા અને ઇલેક્ટ્રિક વાહનો દ્વારા ટકાઉ સામુદાયિક પરિવહનને પ્રોત્સાહન આપવા માટે પણ સહયોગ આપવામાં આવશે.

‘પ્રોજેક્ટ વિશ્વાસ’ના માધ્યમથી ગૃહ મંત્રાલય અને NID અમદાવાદનો હેતુ છત્તીસગઢમાં ડિઝાઇન આધારિત સામુદાયિક વિકાસનું પાયલોટ મોડેલ સ્થાપિત કરવાનો છે. આ પહેલનાં પરિણામો અને અનુભવોના આધારે ભવિષ્યમાં અન્ય વિકાસલક્ષી પહેલો માટે માર્ગદર્શન મળવાની અનેક સંભાવનાઓ વિશે વિશ્વાસ વ્યક્ત કરવામાં આવી રહ્યો છે.

તમારો પ્રતિભાવ આપો

Your email address will not be published. Required fields are marked *