સુરત ખાતે ચેમ્બર ઓફ કોમર્સ આયોજિત ત્રિદિવસીય ‘યાર્ન એક્ષ્પો-૨૦૨૨’ને ખૂલ્લો મૂકતા કેન્દ્રીય રેલ્વે, ટેક્ષટાઈલ રાજ્યમંત્રી દર્શનાબેન જરદોશ

  • પીએમ મિત્રા પાર્ક અંતર્ગત રોડ, ટ્રેન અને પોર્ટ કનેક્ટિવિટીમાં ગુજરાત અગ્રેસર રહ્યું છેઃ
  • કાપડ ઉદ્યોગમાં નવી ટેકનોલોજી, પ્રોસેસ ક્ષમતામાં વધારો, ટ્રેનિંગ અને રિસર્ચ વધારવા સરકાર કટિબદ્ધ

‘યાર્ન એક્ષ્પો’-૨૦૨૨માં દેશભરમાંથી ૮૬ થી વધુ એક્ઝિબીટર્સ સહભાગી થયાછે

સુરતના ટેક્ષ્ટાઈલ ઉદ્યોગને વૈશ્વિક પ્લેટફોર્મ મળે અને આ ક્ષેત્રના ઝડપભેર વિકાસ સાથે ઉદ્યોગકારો યાર્ન પ્રોડકશનની અદ્યતન ટેકનોલોજી અપનાવી ઉત્પાદન કરતા થાય તે આશયથી ધી સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રી તથા સધર્ન ગુજરાત ચેમ્બર ટ્રેડ એન્ડ ઇન્ડસ્ટ્રીઝ ડેવલપમેન્ટ સેન્ટર દ્વારા સુરતના સરસાણા સ્થિત ઈન્ટરનેશનલ એક્ઝિબીશન એન્ડ કન્વેન્શન સેન્ટર ખાતે આયોજિત ત્રિદિવસીય ‘યાર્ન એક્ષ્પો-૨૦૨૨’ને રેલ્વે, ટેક્ષટાઈલ રાજ્યમંત્રી શ્રીમતી દર્શનાબેન જરદોશના હસ્તે ખુલ્લો મૂકવામાં આવ્યો હતો. ‘યાર્ન એક્ષ્પો’-૨૦૨૨માં દેશભરમાંથી ૮૬ થી વધુ એક્ઝિબીટર્સએ સહભાગી થઈને યાર્નથી બનતી વિવિધ ટેક્ષટાઈલ ઉત્પાદનોને પ્રદર્શિત કર્યા છે.

                   આ પ્રસંગે કેન્દ્રીય મંત્રી શ્રીમતી દર્શનાબેન જરદોશે જણાવ્યું હતું કે, ‘આઝાદી કા અમૃત મહોત્સવ’ અને ‘હર ઘર તિરંગા’ અભિયાનમાં દેશમાં ઉપયોગમાં લેવામાં આવેલા ૨૦ કરોડ તિરંગામાંથી સુરતની ટેક્ષટાઇલ ઇન્ડસ્ટ્રીએ ૭.૫ કરોડ તિરંગાનું ઉત્પાદન કરીને પોતાની ક્ષમતા બતાવી આત્મનિર્ભરતાનું ઉત્તમ ઉદાહરણ પૂરૂ પાડ્યુ છે. કેન્દ્ર સરકારે મેન મેડ ફાઈબર માટેની પ્રોત્સાહક યોજનાઓ અમલી બનાવી છે. જ્યારે દેશમાં મેગા ઈન્ટિગ્રેટેડ ટેક્ષટાઈલ રિજીયન અને એપેરલ (પીએમ-મિત્રા) પાર્ક અંતર્ગત રોડ, ટ્રેન અને પોર્ટ જેવી કનેક્ટિવિટીમાં ગુજરાત અગ્રેસર રહ્યું છે. અને પીએમ મિત્ર પાર્ક માટે ૧૩ રાજ્યો પણ સહમત થયા છે. આ માટે ગુજરાત અને કર્ણાટક રાજ્યે પોતાના બજેટમાં અલગ ફાળવણી કરી છે. જેમાં ગુજરાતને અનેક રીતે મહત્વપૂર્ણ લાભ મળશે અને રાજ્યના વિકાસને ગતિ મળશે.

                     તેમણે વધુમાં જણાવ્યું હતું કે, પીએલઆઇ સ્કીમ અંતર્ગત ભાગ લેનાર ૬૭ લોકોમાં ૭ લોકો સુરતના છે. હાલમાં પીએલઆઇ-૨ માટેનું પૂર્વ આયોજન થઈ રહ્યું છે, જેમાં અગાઉ રહી ગયેલી ક્ષતિઓને સુધારવામાં આવશે. ભારત સિલ્કમાં વિશ્વમાં બીજા નંબરનું ઉત્પાદક બનવાની શક્યતા પર વાત કરતા મંત્રીશ્રીએ કાપડ ઉદ્યોગમાં નવી ટેકનોલોજી, પ્રોસેસ ક્ષમતામાં વધારો, ટ્રેનિંગ અને રિસર્ચ વધારવા સરકાર કટિબદ્ધ હોવાનું જણાવ્યું હતું. તેમણે ભારતીય કાપડઉદ્યોગને વૈશ્વિક ફલક પર પ્રમોટ કરવા નવા આઈડિયા અને ટેકનોલોજી પર વધુમાં વધુ ધ્યાન કેન્દ્રીત કરવા પર ભાર મૂક્યો હતો.

                ચેમ્બર ઓફ કોમર્સ પ્રમુખ હિમાંશુભાઈ બોડાવાલાએ જણાવ્યું કે, ચોથી એડિશનનો ‘યાર્ન એક્ષ્પો’ દેશભરના વિવિધ યાર્ન ઉત્પાદકોની સફળતાની ગાથા ઉજાગર કરી રહ્યો છે. આધુનિક ટેક્નોલોજીથી બનતી યાર્નની વિવિધ વેરાયટીઓ થકી સુરતના ટેક્ષટાઈલ ઉદ્યોગને વેગ મળ્યો છે. તાજેતરમાં ત્રણ મહિના પહેલાં જ સુરતમાં શોધાયેલી રાશલ જરી અને સ્પાર્કલ નીમ જરી પ્રદર્શનમાં આકર્ષણનું કેન્દ્ર બની હતી. આ ઉપરાંત ઈલાસ્ટીક, મેટાલિક, એમ્બ્રોઈડરી, ટેક્ષ્ચર્ડ, સ્લબ, લો ટોર્ક અને ફેન્સી મિલેન્જ જેવા વિવિધ સ્પેશિયાલિટી ફાઈબરના ઉત્પાદનથી વિશ્વના દેશની નજર હવે ભારતના ટેક્સટાઈલ તરફ વધી રહી છે.

                   આ પ્રસંગે મેયર હેમાલીબેન બોઘાવાલા, પોલીસ કમિશનર અજયકુમાર તોમર, સ્થાયી સમિતિ ચેરમેન પરેશભાઈ પટેલ, ચેમ્બર ઉપપ્રમુખ રમેશભાઈ વઘાસીયા, રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિ.ના પોલિએસ્ટર ચેઇનના પ્રેસિડેન્ટ આર.ડી.ઉદ્દેશી અને વાઇસ પ્રેસિડેન્ટ જે. રઘુનાથ, એક્ઝિબીટર્સ સહિત કાપડ ઉદ્યોગકારો,યાર્ન ઉત્પાદકો ઉપસ્થિત રહ્યા હતા.

KAMALAM DAILY

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

SCAM SCAM