
શૈશવ રાવ રાજપીપળા
જિલ્લાના પ્રભારી સચિવશ્રી એમ.એ. ગાંધીએ રામપુરા ઘાટથી સમગ્ર પરિક્રમા પથનું જાત નિરીક્ષણ કર્યું હતું : વહીવટી તંત્ર દ્વારા ઊભી કરાયેલી વ્યવસ્થાને નજરે નિહાળી સુરક્ષા અંગેની સમીક્ષા કરી

પ્રભારી સચિવશ્રી એમ.એ. ગાંધીની અધ્યક્ષતામાં એકતાનગર સ્થિત વીવીઆઈપી સર્કિટ હાઉસ ખાતે સંબંધિત વિભાગના અધિકારીશ્રીઓ સાથે બેઠક યોજાઈ

ગુજરાત રાજ્ય માર્ગ પરિવહન નિગમના મેનેજીંગ ડિરેક્ટરશ્રી અને નર્મદા જિલ્લાના પ્રભારી સચિવશ્રી એમ.એ.ગાંધી આજે તા. ૬ એપ્રિલના રોજ સવારે ૧૦ કલાકે પરિક્રમા સંદર્ભે નર્મદા જિલ્લાની મુલાકાતે આવ્યા હતા. નર્મદા મૈયાની ચૈત્ર માસમાં યોજાતી પંચકોશી ઉત્તરવાહિની પરિક્રમા અંગે સંપૂર્ણ પરિક્રમા પથ અને રૂટ પર ચાલીને તંત્ર દ્વારા કરેલી વ્યવસ્થા અને નવા કામચલાઉ કાચા બ્રિજની સુરક્ષા અંગે જાત નિરીક્ષણ કર્યું હતું. અને સંબંધિત અધિકારીશ્રીઓને જરૂરી સૂચન કર્યું હતું. શ્રદ્ધાળુઓ માટે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા ઊભી કરાયેલી વ્યવસ્થાની સમીક્ષા કરી તંત્રની કામગીરીને પ્રભારી સચિવશ્રીએ બિરદાવી હતી. પ્રભારી સચિવશ્રી ગાંધીએ નાંદોદ તાલુકાના રામપુરા ઘાટ ખાતે પહોંચીને ઘાટ, જેટી, બોટ, લાઈફ જેકેટ, દિશા સૂચક બોર્ડ સહિતની વ્યવસ્થાનું નિરીક્ષણ કરી કાયમી ધોરણે રહે તેવું સલામતી અંગેનું દિવાલ પર પેઇન્ટિંગ કરી દિશા સૂચક બોર્ડ તૈયાર કરવા અંગે સૂચન કર્યું હતું. ઘાટ ઉપર આવેલા શ્રદ્ધાળુઓ સાથે પરિક્રમા અંગે જરૂરી પૃચ્છા પણ કરી હતી અને નાવડીના ઈજારદારો સાથે પણ ચર્ચા કરી માહિતી મેળવી હતી અને યાત્રિકોને કોઈ મુશ્કેલી ન પડે તેનું ધ્યાન રાખવા આહવાન કર્યું હતું. તેમજ ઈજારદારની નાવડીમાં બેસીને સામા કાંઠાનો પ્રવાસ કર્યો હતો. અને એસડીઆરએફની ટીમો દ્વારા નદીના પેટ્રોલિંગની થઈ રહેલી કામગીરી પણ નિહાળી હતી. રસ્તામાં યાત્રિકો માટે ઓઆરએસ, મેડિકલ સુવિધા, બોટની પ્રતિક્ષા અર્થે છાંયડાની વ્યવસ્થા માટે મંડપ, બેરિકેટીંગ, સેવાકેન્દ્ર, ભોજન, ચા-પાણીની રૂટ પરની વ્યવસ્થાઓનું નિરિક્ષણ કરી સંતોષ વ્યક્ત કર્યો હતો.
માધ્યમો સાથેના સંવાદમાં જિલ્લા વહીવટી તંત્રની કામગીરીને બિરદાવી પ્રભારી સચિવશ્રી એમ.એ. ગાંધીએ જણાવ્યું કે, નર્મદા મૈયાની પંચકોશીય ઉત્તરવાહીની પરિક્રમા અર્થે આવતા શ્રદ્ધાળુઓ માટે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા જે કાળજી લેવાઈ રહી છે તે પ્રશંસનીય છે. જે ખરેખર પરિક્રમા સ્વયં ચાલતી હતી તેમાં રજાના દિવસોમાં યાત્રિકોનો એકાએક વધારો થતાં વહીવટી તંત્રએ જરૂરી સુવિધાઓ પુરી પાડી ઉત્તરવાહિનીને ઉત્સાહ વાહીની બનાવી છે. વધુમાં પરિક્રમા અર્થે આવતા શ્રદ્ધાળુઓ સ્વયંભૂ જોડાતા હોય છે અને સેવાભાવી લોકો પણ પોતાના સેવા-પુણ્ય મેળવવા કાર્ય કરી રહ્યાં છે. ભાવિકોને કોઈ તકલીફ ન પડે તે માટે વહીવટી તંત્ર કામગીરી કરી રહ્યું છે. અને ટીમ નર્મદા દ્વારા સૌના સાથ સહકારથી આ એક માસની પરિક્રમાને શાંતિમય પૂર્ણ કરવા અનુરોધ કર્યો હતો.
પરિક્રમા પથની મુલાકાત બાદ જિલ્લા પ્રભારી સચિવશ્રીએ એકતાનગર-વીવીઆઈપી સર્કિટ હાઉસ ખાતે જિલ્લાના સંબંધિત વિભાગના અધિકારીશ્રીઓ સાથે બેઠક યોજીને ટીમ નર્મદા તરીકે સહિયારી આગેકૂચ કરવા અનુરોધ કર્યો હતો. સાથે આગામી આયોજન અંગે હકારાત્મક રીતે વિચારવા જણાવ્યું હતું. જેમાં રસ્તાઓ, બેરિકેટિંગ, સાઈન બોર્ડ, સલામતી અંગેની કાળજી લેવા પણ જણાવ્યું હતું.
આ પ્રસંગે જિલ્લા કલેક્ટર શ્રીમતી શ્વેતા તેવતિયાએ રજાના દિવસોમાં બંને ઘાટ ખાતે હોડીઓની પૂરતી માત્રામાં ઉપલબ્ધી રાખીને તેનું યોગ્ય સંચાલન થાય તે જોવા સંબંધિત અધિકારીશ્રીઓને સૂચના આપી હતી. ડિઝાસ્ટર નિવારણ માટે જિલ્લા કક્ષાએ કંટ્રોલ રૂમ શરૂ કરવામાં આવ્યો છે. મા નર્મદાની આપણા પર કૃપા છે જેથી કોઈ જાન માલનું નુકશાન થયેલ નથી પણ સલામતી એજ સાવધાની રાખવા સૌને અનુરોધ કર્યો હતો.
જિલ્લા પ્રભારી સચિવશ્રીની જિલ્લાની આ મુલાકાત વેળાં જિલ્લા કલેક્ટર શ્રીમતી શ્વેતા તેવતિયા, જિલ્લા પોલીસ વડાશ્રી પ્રશાંત સુંબે, જિલ્લા વિકાસ અધિકારીશ્રી અંકિત પન્નું, નિવાસી અધિક કલેક્ટરશ્રી સી.એ.ગાંધી, નાયબ જિલ્લા ચૂંટણી અધિકારી સુશ્રી જિજ્ઞાબેન દલાલ, માર્ગ અને મકાન વિભાગ(પંતાયત)ના કાર્યપાલક ઈજનેરશ્રી એ.એસ.પટેલ, માર્ગ અને મકાન વિભાગ (સ્ટેટ)ના કાર્યપાલક ઈજનેરશ્રી એચ.એસ.મોદી, નાયબ માહિતી નિયામકશ્રી અરવિંદ મછાર, પ્રાંત અધિકારીશ્રી શૈલેષ ગોકલાણી, પોલીસ અધિક્ષકશ્રી જી.એ.સરવૈયા, જિલ્લાના અન્ય વિભાગોના અધિકારીશ્રીઓ સહિત મામલતદારશ્રીઓ, તાલુકા વિકાસ અધિકારીશ્રીઓ અને કર્મચારીશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા.