
ગુજરાત પ્રદેશ ભાજપની યોજના મુજબ ગાંધીનગર જીલ્લા ભાજપ અધ્યક્ષ અનિલભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ સમગ્ર ગાંધીનગર જિલ્લાના મંડળોમાં ભાજપા સંગઠન દ્વારા ભાજપા સ્થાપના દિવસની ઉજવણી કરવામાં આવી હતી.
આ પ્રસંગે જિલ્લા કાર્યાલય ખાતે શ્રી અનિલભાઈ પટેલ દ્વારા પરમ શ્રદ્ધેય પંડિત દીનદયાળ ઉપાધ્યાયજી તથા ડો. શ્યામાપ્રસાદ મુખરજીને પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી હતી. આ ઉપરાંત જિલ્લા ભાજપા કાર્યાલય સહિત તમામ મંડળના ભાજપા કાર્યાલય પર ધ્વજારોહણ કરી ત્યારબાદ માનનીય પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઈ મોદીનું સંબોધન સામૂહિક રીતે સાંભળવાની વ્યવસ્થા કરવામાં આવી હતી. આ પ્રસંગે ભાજપાની ગૌરવશાળી વિકાસ યાત્રા તેમજ પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઇ મોદીના નેતૃત્વ હેઠળની કેન્દ્રની ભાજપા સરકારની સિદ્ધિઓની ચર્ચા પણ કરવામાં આવી હતી.

આ પ્રસંગે શ્રી અનિલભાઈ પટેલે જણાવ્યું હતું કે ડો.શ્યામા પ્રસાદ મુખરજીને દેશમાં હિન્દુત્વવાદી રાજકીય પાર્ટીની જરૂરિયાત જણાતા 21 ઓક્ટોબર 1951 ના રોજ ભારતીય જનસંઘની સ્થાપના કરવામાં આવી હતી. બાદમાં 6 એપ્રિલ 1980 ના રોજ ભારતીય જનતા પાર્ટીની સ્થાપના થઈ હતી. તેઓએ કહ્યું કે ભાજપા આજે પંચ નિષ્ઠા, સાંસ્કૃતિક રાષ્ટ્રવાદ, લોકતંત્રમાં વિશ્વાસ, એકાત્મ માનવદર્શન, હકારાત્મક બિનસાંપ્રદાયિકતા તેમજ મૂલ્ય નિષ્ઠ રાજનીતિ સાથે દેશ સેવામાં કાર્યરત છે.
તેઓએ કહ્યું કે ભાજપાના પ્રત્યેક પદાધિકારી સૌ પ્રથમ એક કાર્યકર્તા છે અને તેમના માટે આ પદ નહીં પણ જવાબદારી છે. પ્રતિષ્ઠા નહીં પરીક્ષા છે, તથા અધિકાર નહીં પણ અવસર છે.


આજે ભાજપાના સ્થાપના દિન નિમિત્તે ગાંધીનગર જિલ્લાના રૂપાલ ખાતે માનનીય મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઈ પટેલની ઉપસ્થિતિમાં ભાજપના ધ્વજ આરોહણ તેમજ પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઈ મોદીના સંબોધનના શ્રવણનો કાર્યક્રમ યોજાઈ ગયો હતો. આ કાર્યક્રમમાં જિલ્લા ભાજપા પ્રભારી શ્રી પંકજભાઈ ચૌધરી, ગાંધીનગર ઉત્તરના ધારાસભ્ય શ્રીમતી રીટાબહેન પટેલ, જિલ્લા ભાજપા મહામંત્રીશ્રી રમણભાઈ દેસાઈ, શ્રી રાજુભાઈ પટેલ શ્રી રમેશજી ઠાકોર સહિત ગાંધીનગર તાલુકા ભાજપા સંગઠનના પદાધિકારીઓ, જિલ્લા ભાજપાના પદાધિકારીઓ તથા સ્થાનિક અગ્રણીઓ, કાર્યકર્તાઓ અને નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા.