આધ્યાત્મિક મહોત્સવ ગુરુપૂર્ણિમાની ગુરુતત્ત્વ વૈશ્વિક મંચ દ્વારા ભવ્ય ઉજવણી

પરમાત્માને શોધવા બહાર ન જાઓ, તે તમારી ભીતર છે: પૂજ્ય શ્રી શિવકૃપાનંદ સ્વામીજી

ત્રિદિવસીય કાર્યક્રમ ઓનલાઇન હોવા છતાં સાક્ષાત્ ગુરુસાંનિધ્યનું ચૈતન્ય માણતાં દેશવિદેશના લાખો સાધકો

ગુરુ અને શિષ્ય માટેનો સૌથી મહત્ત્વનો દિવસ એટલે ગુરુપૂર્ણિમા. આ દિવસે શિષ્ય ઋણસ્વીકાર કરી પોતાના ગુરુનું પૂજન કરે છે. સમર્પણ ધ્યાનયોગ સંસ્કારના પ્રણેતા હિમાલયના મહર્ષિ પરમ પૂજ્ય શ્રી શિવકૃપાનંદજી દ્વારા પ્રેરિત, ગુરુપૂર્ણિમા મહોત્સવનું આયોજન ‘ગુરુતત્ત્વ’ મંચ દ્વારા તારીખ 1 થી 3 જુલાઈ દરમિયાન ઓનલાઈન કરવામાં આવ્યું હતું. 72 કલાકના આ ઓનલાઈન કાર્યક્રમમાં દેશ-વિદેશના હજારો સાધકોએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો.

આ આધ્યાત્મિક મહોત્સવનો શુભારંભ પૂજ્ય ગુરુમાનાં કરકમળથી દીપપ્રાગટ્ય દ્વારા કરવામાં આવેલ. કાર્યક્રમની શરૂઆતમાં પૂજ્ય સ્વામીજીએ કહ્યું કે આપણા શરીરમાં ત્રણ નાડીઓ હોય છે. ચંદ્રનાડીમાં આપણે ભૂતકાળના વિચારો કરીએ છીએ, સૂર્યનાડીમાં આપણે ભવિષ્યની ચિંતા કરીએ છે, પરંતુ આપણે મધ્યનાડીમાં રહેવાનું છે. પરમાત્મા મધ્યમાં છે, જો તમે વચ્ચે રહેશો તો પ્રેમતત્ત્વને પ્રાપ્ત કરશો. આવનારો યુગ ચિત્તશક્તિનો યુગ છે. ચિત્ત જેટલું પવિત્ર હશે એટલું જ સશક્ત હશે. આ ગુરુપૂર્ણિમામાં ત્રણ દિવસ સુધી તમે આત્મા બનીને ભાગ લેશો તો એનો આનંદ લઈ શકશો. ગુરુપૂર્ણિમાના પ્રથમ દિવસ પર પૂજ્ય સ્વામીજી અને પૂજ્ય ગુરુમાના સાંનિધ્યમાં થયેલ યજ્ઞ સાથે ઓનલાઈન જોડાઈને સાધકોએ યજ્ઞનો લાભ લીધો. પ્રથમ સત્રમાં પૂજ્ય સ્વામીજીએ સાધકોના પ્રશ્નોનું સમાધાન કર્યું. ડો.આનંદભાઈ બુચકે દ્વારા ગુરુપૂજન વિશે ખૂબ રસપ્રદ માહિતી આપવામાં આવી હતી. બપોર બાદના સત્રમાં પૂજ્ય ગુરુમાએ ગર્ભાધાન સંસ્કાર વિશે ખૂબ જ સરસ માર્ગદર્શન આપ્યું. ઉચ્ચ આત્માના અવતરણ માટે ગર્ભાધાન સંસ્કાર ખૂબ જ આવશ્યક છે. નવી પેઢીના યુવાનોને આ ખૂબ જ ઉપયોગી સાબિત થશે.

બીજા દિવસના પ્રારંભમાં પૂજ્ય સ્વામીજી દ્વારા માર્ગદર્શિત ધ્યાનમાં સાધકો જોડાયા હતા. આ ધ્યાનમાં પૂજ્ય સ્વામીજી સાધકોને જાણે શાંતિના સાગરમાં લઈ ગયા. યોગસત્ર બાદ પૂજ્ય સ્વામીજી અને પૂજ્ય ગુરુમા સાથે કુદરતના સાંનિધ્યમાં સંવાદનું સત્ર ખૂબ જ ઊર્જાપૂર્ણ હતું. જેમાં ગુરુમાએ સાધકોના મનમાં રહેલા પ્રશ્નોની ચર્ચા સ્વામીજીએ સાથે કરી હતી, જેમાં પૂજ્ય ગુરુદેવે જણાવ્યું હતું કે દરેક સમસ્યા શરીર સાથે જોડાયેલ છે. જેમ શરીર નાશવંત છે, તેમ સમસ્યા પણ નાશવંત છે, તો શાશ્વત શું છે? તમારી અંદર રહેલ પરમાત્મા જ શાશ્વત છે. આ ઉપરાંત તેમણે ધ્યાનકેન્દ્રમાં જવાનું તેમ જ નિયમિત ધ્યાન કરવાનું અને સમર્પણ ધ્યાનયોગના પ્રચાર દ્વારા મળેલા જ્ઞાનમાંથી મુક્ત થવા વિશે પણ જણાવ્યું હતું. તીર્થયાત્રા કરવા બાબત તેઓએ જણાવ્યું કે ફરવા કે કુદરતનું સાંનિધ્ય માણવા માટે તીર્થયાત્રાએ જાઓ, પરંતુ પરમાત્માને શોધવા તીર્થયાત્રાએ ન જાઓ, કારણ કે પરમાત્મા બહાર નથી, તે તમારી ભીતર છે. પૂજ્ય સ્વામીજીના સત્ર બાદ શ્રી અમ્બરીષભાઈનું સત્ર ખૂબ જ રસપ્રદ રહ્યું. ત્યારબાદ પૂજ્ય ગુરુમાએ એમના પ્રવચનમાં સુંદર કથાના માધ્યમથી આપણી ભીતર મૌન ધારણ કરીને પ્રકૃતિની ભીતર રહેલ ચૈતન્યને અનુભવવાની ખૂબ સુંદર વાત કરી, સાથે રોજબરોજના જીવનમાં અન્યને ઉપયોગી થવા તથા નિયમિત ધ્યાન વિશે પ્રેરિત કર્યાં હતાં. ત્યારબાદ સંસ્થાના મેનેજિંગ ટ્રસ્ટી શ્રીમતી શીનાબહેન ઓમપ્રકાશના ગુરુકાર્ય પરના સત્ર બાદ પૂજ્ય ગુરુદેવ સાથેની જ્ઞાનવર્ધક પ્રશ્નોત્તરીથી સાધકો લાભાન્વિત થયા હતા.

આધ્યાત્મિક મહોત્સવનો ત્રીજો દિવસ એટલે ગુરુપૂર્ણિમાનો દિવસ. સામૂહિક ધ્યાન સાથે આ દિવસનો આરંભ થયો હતો. ડોક્ટર પારસભાઈ ભટ્ટ દ્વારા ગુરુની મહત્તા ઉદાહરણ સાથે ખૂબ જ સુંદર રીતે સમજાવવામાં આવી હતી. ત્યારબાદ પાદુકાપૂજન અને ગુરુદીક્ષાની ખૂબ જ મહત્ત્વપૂર્ણ વિધિ સંપન્ન કરવામાં આવી હતી. ભજનોના સુરો સાથે પાદુકાનમનનો લાભ સાધકોએ ઘરેબેઠા કે સ્થાનિક સ્તરે આયોજિત કાર્યક્રમમાં લીધો હતો. સમાપન સમયે પૂજ્ય સ્વામીજીએ દરેક સાધકને પોતાની પ્રથમ અનુભૂતિ યાદ કરી તેને વૃદ્ધિગત કરીને આધ્યાત્મિક માર્ગ પર આગળ વધવા આશીર્વાદ આપ્યા હતા.

આ ત્રણ દિવસ દરમિયાન યોગાચાર્યો શ્રીકૃષ્ણભાઈ તથા લલિતભાઈ દ્વારા યોગાસનના સત્ર લેવામાં આવ્યાં હતાં તેમજ દરરોજ શ્રી મોહિતભાઇ કાચા દ્વારા ગુરુમહિમાને વર્ણવતી ગુરુકથા કરવામાં આવી હતી. ત્રીજા દિવસે શ્રી રામભાઈ પટેલ અને ટીમ દ્વારા ભજનોનો આસ્વાદ કરાવવામાં આવ્યો હતો. આ અદ્ભુત ઓનલાઇન કાર્યક્રમ માટે શ્રી અમ્બરીષભાઈના નેતૃત્વમાં સમગ્ર ગુરુતત્ત્વ ટીમે જહેમત ઉઠાવી હતી. સતત ૭૨ કલાક સુધી સુંદર પ્રસારણને કારણે રહેલા સાધકોએ ઓનલાઈન જોડાઈને સ્થાનિક સ્તરે પણ ગુરુપૂર્ણિમાની ભવ્ય ઉજવણી કરી હતી અને પોતાના ગુરુદેવ પ્રત્યે પ્રેમ તથા કૃતજ્ઞતાની ભાવના અભિવ્યક્ત કરી હતી. અત્રે ઉલ્લેખનીય છે કે આખા પ્રસારણને વિદેશી સાધકોની સગવડતા માટે ઇંગ્લિશમાં પણ મૂકવામાં આવ્યું હતું.

KAMALAM DAILY

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

SCAM SCAM