જિલ્લા કલેકટર શ્રીમતી શ્વેતા તેવતિયાની અધ્યક્ષતામાં જિલ્લા સંકલન સહ ફરિયાદ નિવારણ સમિતિઓની બેઠક યોજાઈ

શૈશવ રાવ રાજપીપળા

કાયદો વ્યવસ્થા, રોડ સેફ્ટી, ચાઈલ્ડ લેબર, સંકલનના પ્રશ્નો અંગે જરૂરી ચર્ચા કરી પ્રશ્નોના ઝડપી નિકાલ અંગે કલેક્ટરશ્રી દ્વારા અપાયેલી સૂચના

આગામી તા. ૨૪-૨૫ના રોજ રવિ કૃષિ મહોત્સવ અને તા.૨૬-૨૭ના રોજ ભાદરવા ખાતે ભાથીજીનો મેળો યોજાનાર છે તે બાબાતે કાયદો અને વ્યવસ્થા, સુચારૂ આયોજન અંગે ચર્ચા કરાઈ

  નર્મદા જિલ્લા કલેકટર શ્રીમતી શ્વેતા તેવતિયાની અધ્યક્ષતામાં કલેકટર કચેરીના સભાખંડ ખાતે જિલ્લા સંકલન સહ ફરિયાદ નિવારણ સમિતિની બેઠક યોજાઇ હતી. જેમાં જિલ્લા વિકાસ અધિકારીશ્રી અંકિત પન્નુ, પ્રાયોજના વહીવટદારશ્રી હનુલ ચૌધરી અને સંબંધિત વિભાગોના અમલીકરણ અધિકારીશ્રીઓએ બેઠકમાં ઉપસ્થિત રહીને નાગરિકોના પ્રશ્નોના કાયમી નિકાલ અંગે ચર્ચા કરવામાં આવી હતી. જેમાં મુખ્યત્વે આગામી તા. ૨૪-૨૫ના રોજ રવિ કૃષિ મહોત્સવની ઉજવણી અને આગામી તા. ૨૬-૨૭ મીએ ભાદરવા ખાતે યોજાનાર ભાથીજીના લોકમેળા દરમિયાન કાયદો અને વ્યવસ્થા તેમજ સુચારૂ આયોજન-અમલવારી અંગે ચર્ચા કરવામાં આવી હતી. જિલ્લામાં ચાલી રહેલી વિકસિત ભારત સંકલ્પ યાત્રામાં કેન્દ્રિય મંત્રીશ્રી દેવુસિંહ ચૌહાણની બે દિવસની યાત્રા-મુલાકાત સંદર્ભે પણ ચર્ચા કરાઈ હતી.   

             જિલ્લા સંકલનની પ્રારંભ બેઠકમાં સાંસદ દ્વારા રજૂ કરાયેલા પ્રશ્નોના જવાબો સમયસર મોકલી આપવા અધિકારીઓને સૂચના અપાઈ હતી. તેમજ જિલ્લાના નાગરિકોને પડતી મુશ્કેલી જેવીકે, નગરમાં રખડતા ઢોરનું વ્યવસ્થાપન, રોડ સાઈડમાં પડેલા કચરાનો યોગ્ય નિકાલ અંગે એકબીજા વિભાગોને સંકલનમાં રહીને પ્રશ્નો દૂર કરવા જિલ્લા કલેક્ટરશ્રી દ્વારા જિલ્લાના વિવિધ વિભાગોના અમલીકરણ અધિકારીશ્રીઓને સૂચના આપવામાં આવી હતી. સાથોસાથ લોકો દ્વારા તથા જનપ્રતિનિધિશ્રીઓના લેખિતમાં આવતા પ્રશ્નોનું ઝડપી અને ત્વરિત નિરાકરણ કરવા પણ જણાવવામાં આવ્યું હતું. વિવિધ વિભાગો દ્વારા નિકાલ કરાયેલી કામગીરીની સત્વરે જાણ કરવા પણ સૂચના આપવામાં આવી હતી.

            બીજી બેઠકમાં કાયદો અને વ્યવસ્થા અંગે નાયબ જિલ્લા પોલીસ અધિક્ષક સુશ્રી વાણી દૂધાતની ઉપસ્થિતિમાં ચર્ચા કરવામાં આવી હતી. જેમાં હથિયાર પરવાના, તપાસણી નોંધણી જેવા પ્રશ્નો અંગે ચર્ચા કરવામાં આવી હતી. જેમાં નાયબ પોલીસ અધિક્ષકશ્રી અને પ્રાંત-મામલતદાર કક્ષાએ કરેલી કામગીરી અને બાકી રહેલા પ્રશ્નોનું મોનિટરિંગ કરી ઝડપી નિરાકરણ લાવવા સૂચના આપવામાં આવી હતી. 

            ત્રીજી બેઠકમાં જિલ્લામાં ચાઈલ્ડ લેબર અંગે ચર્ચા વિચારણા કરવામાં આવી હતી. આગામી સપ્તાહ અને આગામી માસ દરમિયાન ખાસ બાળ મજૂરી દૂર કરવા વિવિધ એકમોમાં તપાસ અને રેડ કરવા તેમજ આવી બાબતો કોઈ કચેરી કે અધિકારીના ધ્યાને આવે તો લેબર કમિશ્નરશ્રીની ઓફિસનું ધ્યાન દોરવા પણ જણાવાયું હતું. જિલ્લામાં ફિલ્ડ વિઝીટ કરીને આ બાબત ધ્યાને આવે તો કાયદેસરની કાર્યવાહી કરવા જણાવ્યું હતું.

           જિલ્લા કલેકટરશ્રીના અધ્યક્ષસ્થાને રોડ સેફ્ટી અંગેની બેઠકમાં આર.ટી.ઓ. વિભાગ દ્વારા એજન્ડા પ્રમાણે સમીક્ષા કરવામાં આવી હતી. જેમાં માર્ગો પરના બ્લેક સ્પોટ દૂર કરવા તેમજ રોડ પર સાઈન બોર્ડ, વૃક્ષ ટ્રીમિંગ, પ્લાન્ટેશન, દ્વિચક્રી વાહનો પર હેલમેટ ચકાસણી, વાહન ચાલકના ડ્રાઇવિંગ લાઇસન્સની ચકાસણી તથા નેશનલ હાઈવેના અકતેશ્વર-ગોરા(જૂના) બ્રિજ પર જ્યાં અકસ્માત ઝોન જણાય ત્યાં જોઈન્ટ વિઝીટ કરીને લોકોની સલામતી અને સુરક્ષા અંગેના પગલાં ભરવા સુચના આપવામાં આવી હતી. સાથે માર્ગ અને મકાન વિભાગ દ્વારા ગોરાથી ઝરવાણી ધોધ તરફ જતા માર્ગ ઉપર જરૂરી સાઈનેજીસ કરવા અંગે પણ ચર્ચા કરવામાં આવી હતી. શાળાઓ શરૂ થતાં જ તેમાં જાગૃતિ સંદેશા તથા કેટલાક યુવાનો રોડ પર સ્પીડમાં બાઈક હંકારે છે, તેનાથી અકસ્માત થવાની સંભાવના હોય તેમને રોડ સેફ્ટી અંગેની સમજ અને દંડ અને લાયસન્સ રદ અંગેની કાયદાકીય કાર્યવાહી અંગે જાગૃતતા લાવવા પર ભાર મુકાયો હતો. 

            આ બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારીશ્રી અંકિત પન્નુ, પ્રાયોજના વહીવટદારશ્રી હનુલ ચૌધરી, નાયબ જિલ્લા પોલીસ અધિક્ષક સુશ્રી વાણી દૂધાત, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામકશ્રી જે.કે.જાદવ, દેડિયાપાડાના પ્રાંત અધિકારીશ્રી ડી.આર.સંગાડા સહિત સંબંધિ વિભાગના અધિકારીશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા.  

તમારો પ્રતિભાવ આપો

Your email address will not be published. Required fields are marked *