
મહુવા તાલુકાના વસરાઈ ખાતે પ્રથમ દિશા ધોડિયા સમાજ લગ્ન ઉત્સુક પરિચય મેળો યોજાયો હતો. સૌપ્રથમ મહુવા વિધાનસભાના ધારાસભ્ય મોહનભાઈ ઢોડિયા તેમજ ઉપસ્થિત મહાનુભાવોના હસ્તે રૂ.12 લાખના ખર્ચે મંજૂર થયેલી પ્રોટેક્શન વોલનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. બાદ ઓનલાઈન રજિસ્ટ્રેશન કરેલા લગ્ન ઉત્સુક યુવક-યુવતીઓ, વિધવા-વિદુર, ત્યક્તા, હેન્ડીકેપથી લઈ શિક્ષિત, ગ્રેજ્યુએટ, ડોક્ટર, એન્જિનિયર, ખેડૂત, પશુપાલક વગેરે જુદા જુદા પાંચ વિભાગ મુજબના લગ્ન ઉસ્તુક પરિચિય મેળામાં જોડાયા હતા. આ પ્રસંગે મુકેશભાઈ મહેતાએ પ્રાસંગિક ઉદબોધન કરતાં જણાવ્યું હતું કે, 2010થી સમાજ ભવન શરૂઆત કરવામાં આવી હતી. 10 વીઘાં જમીનમાં કરોડોના ખર્ચે સમાજ ભવન નિર્માણ થનાર હોય ત્યારે તમામના સહકારથી સમાજ માટે સારું કાર્ય થઈ રહ્યું છે. સમાજ દિવ્ય છે, સમાજ ભવ્ય છે અને આપણે સૌએ માનવતાવાદી પ્રવૃત્તિ કરવી છે. સમાજ ભવન વસરાઈ ખાતે ઉપસ્થિત મહુવા વિધાનસભાના ધારાસભ્ય મોહનભાઈ ઢોડિયાએ કહ્યું હતું કે, હાલમાં અતિવ્યસ્ત યુગમાં સમાજ માટે સમયનું યોગદાન આપવું જોઈએ. એ પણ શ્રેષ્ઠ દાન છે. અને સમાજના લોકોએ કોઈપણ કાર્યમાં સંકોચ રાખવો જોઈએ નહીં. સાથે આયોજકોને સૂચન કરતા સમાજ માટે સમૂહલગ્નનું પણ આયોજન કરવામાં આવે એવું જણાવ્યું હતું. સરકાર તરફથી સમાજ ભવનના નિર્માણ માટે જરૂરિયાત માટે યોગ્ય રજૂઆત કરવા પણ તેમણે જણાવ્યું હતું. આ લગ્ન ઉત્સુક પરિચય મેળામાં વલસાડ, સુરત, બરોડા, વાપી, સોનગઢ સહિતનાં શહેરો તેમજ સ્થાનિક કક્ષાના મળી કુલ 80થી વધુઓએ નોંધણી કરાવી હતી. આ પ્રસંગે સુરત જિલ્લા પંચાયત બાંધકામ સમિતિ અધ્યક્ષ રાકેશભાઈ પટેલ, મહુવા સુગર ડિરેક્ટર તુષારભાઈ, વિપુલભાઈ, કાર્યપાલક ઈજનેર પંચાયત સિંચાઈ વિભાગ સુરત વી.આર.પટેલ, નાયબ કાર્યપાલક ઈજનેર પંચાયત સિંચાઈ પેટા વિભાગ મહુવા આઈ.બી.પટેલ, મદદનીશ ઈજનેર પંચાયત સિંચાઈ પેટા વિભાગ મહુવા એમ.બી.વહિયા, સમસ્ત ધોડિયા સમાજ ગુજરાત રાજ્ય પ્રમુખ પ્રદીપભાઈ ગરાસિયા તેમજ સમાજના અન્ય ખાતાના અગ્રણીઓ તેમજ સમાજના આગેવાનો કાર્યકર્તાઓ હાજર રહ્યા હતા.
રિપોર્ટ, મયુર પટેલ