દસ મિનિટ દેશ માટે, લોકસભા ચૂંટણીમાં મતદાન માટેના કુલ ૫૭,૦૦૦ સંકલ્પ પત્રો ધરે ધરે પહોચાડવામાં આવ્યા

અમરનાથ જગતાપ
લોકસભાની સામાન્ય ચુંટણી, ૨૦૨૪ અંતર્ગત જિલ્લા ચૂંટણી અધિકારી અને ડાંગ કલેક્ટર શ્રી મહેશ પટેલના માર્ગદર્શન હેઠળ, સ્વીપ નોડલ અધિકારી શ્રી જિગ્નેશ ત્રિવેદી દ્વારા મતદાન જાગૃતિ અંગેની વિવિધ પ્રવૃતિઓ હાથ ધરવામાં આવી રહી છે. ત્યારે ડાંગ જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં મતદાન અંગે જાગૃતિ ફેલાવી મતદારોની સહભાગિતા વધારવા તેમજ ‘નો વોટ ટુ બી લેફ્ટ બીહાઈન્ડ’ નો હેતુ સિધ્ધ કરવા, ડાંગ જિલ્લાની વિવિધ શાળાના વિદ્યાર્થીઓ મારફતે પરિવારના તમામ સભ્યો સુધી “દસ મિનિટ દેશ માટે, લોકસભા ચૂંટણીમાં મતદાન માટે” અને “સહપરિવાર મતદાન કરીશુ” ના સંદેશા પહોંચાડવા કુલ ૫૭,૦૦૦ સંકલ્પ પત્રો વાલીઓ સુધી પહોંચાડીને તેમને મતદાન અંગે જાગૃત કરવામા આવ્યા હતા.
ઉલ્લેખનીય છે કે ડાંગ જિલ્લામાં મતદાન જાગૃતિ માટે રંગોળી, રેલી, પોસ્ટર વિગેરે પ્રવૃતિઓ દ્વારા વિવિધ પ્રકારના મતદાન જાગૃતિના કાર્યક્રમો યોજવામાં આવી રહ્યા છે.
જેમાં નવા મતદાર અને શાળાના વિદ્યાર્થીઓના વાલીઓને મતદાન માટે સંકલ્પબધ્ધ કરવા માટે ‘સહપરિવાર મતદાન કરીશું ‘ના સંકલ્પ પત્રો ભરાવવામાં આવ્યા હતા. આ સંકલ્પ પત્રોમાં વિદ્યાર્થીઓના વાલીઓને અચૂક મતદાન કરવા માટે સંકલ્પ લેવડાવામાં આવ્યા હતા. તેમાં પણ ખાસ કરીને મહિલાઓ વધુમાં વધું મતદાન કરે તેમજ મતદાન હકનો ઉપયોગ કરે તે માટે ઘરની મહિલા મતદાર દ્વારા સંકલ્પ લઇ/લેવડાવી અને સંકલ્પ પત્રમાં સહી/અંગુઠો કરાવવામાં આવ્યા હતા.
