શ્રી સરસ્વતી મહાવિદ્યાલયમાં શિક્ષક દિવસની ઉજવણી કરવામાં આવી.


જયદીપ મેમોરિયલ પબ્લિક ચેરિટેબલ ટ્રસ્ટ સંચાલિત શ્રી સરસ્વતી મહાવિદ્યાલય આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ, આભવા, સુરત ખાતે ઈન્ચાર્જ આચાર્યશ્રી સ્વર્ણિમા જૈનના માર્ગદર્શન હેઠળ એન.એસ.એસ. યુનિટ દ્વારા શિક્ષક દિવસની ઉજવણી કરવામાં આવી હતી.
કાર્યક્રમની શરૂઆત એન.એસ.એસ. ગીત સાથે કરવામાં આવી હતી. ત્યારબાદ એન.એસ.એસ. પ્રોગ્રામ ઓફિસર પ્રા. હાર્દિકકુમાર શેલડિયા દ્વારા કાર્યક્રમમાં ઉપસ્થિત કોલેજ કેમ્પસ ડિરેક્ટર શ્રીમતી શ્યામલી બરગલે, ઈન્ચાર્જ આચાર્યશ્રી સ્વર્ણિમા જૈન, પ્રા. જયા પંડિત તથા એન.એસ.એસ. સ્વયંસેવકોનું શાબ્દિક સ્વાગત કરવામાં આવ્યું હતું. ત્યારબાદ શિક્ષક દિવસ જેમની યાદમાં ઉજવવામાં આવે છે તેવા ભારત રત્ન ડૉ. સર્વપલ્લી રાધાકૃષ્ણનજીને દીપ પ્રજ્વલન અને પુષ્પ દ્વારા પુષ્પાંજલિ અર્પણ કરી. તેમના પ્રત્યે આદરભાવ વ્યક્ત કરવામાં આવ્યો હતો.
આ પ્રસંગે કોલેજ કેમ્પસ ડિરેક્ટર શ્રીમતી શ્યામલી બરગલેએ ડૉ. સર્વપલ્લી રાધાકૃષ્ણનજીના જીવન અને તેમના આદર્શોને વાગોળતાં સ્વયંસેવકોને તેમના જીવનમૂલ્યોમાંથી પ્રેરણા લઈને તેમના માર્ગે ચાલવા જણાવ્યું હતું. તેમણે જણાવ્યું હતું કે આપણા જીવનના પ્રથમ શિક્ષકો આપણા માતા-પિતા અને પ્રકૃતિ છે. આપણે તેમના વિના જીવનની કલ્પના પણ કરી શકતા નથી. જીવનમાં આવતી અનેક સમસ્યાઓનું નિરાકરણ શિક્ષકના યોગ્ય માર્ગદર્શન દ્વારા મેળવી શકાય છે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે શિક્ષક પોતે બળીને અન્યના જીવનમાં જ્ઞાનનો પ્રકાશ ફેલાવે છે. એક વિદ્યાર્થી સફળ થઈને વર્ષો બાદ પોતાના શિક્ષકને મળવા આવે છે ત્યારે તે ક્ષણ શિક્ષક માટે સૌથી વધુ આનંદ અને ગૌરવની હોય છે. ત્યારબાદ વિદ્યાર્થીઓએ પોતાના આદર્શ શિક્ષકો પ્રત્યેની લાગણી અને વિચારો વ્યક્ત કર્યા હતા તથા ભારત રત્ન ડૉ. સર્વપલ્લી રાધાકૃષ્ણનજીને પુષ્પાંજલિ અર્પણ કરી હતી.
આ કાર્યક્રમને સફળ બનાવવા માટે ટ્રસ્ટીગણ, અતિથિગણ, અધ્યાપકગણ, બિનશૈક્ષણિક કર્મચારીઓ તથા એન.એસ.એસ. સ્વયંસેવકો અને વિદ્યાર્થીઓનો ખૂબ જ સહયોગ પ્રાપ્ત થયો હતો. કાર્યક્રમના અંતે એન.એસ.એસ. પ્રોગ્રામ ઓફિસર દ્વારા ઉપસ્થિત સર્વેનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો.

તમારો પ્રતિભાવ આપો

Your email address will not be published. Required fields are marked *