
વિકલાંગ બાળકોને સરકાર તરફથી મળતા વિવિધ લાભો અને સમાજ કલ્યાણ યોજના વિશેની માહિતી આપવામાં આવી


વિકલાંગતા નિવારવા પોલિયોની રસીના બે ટીપા વરદાન રૂપ હોવાની માહિતી અપાઈ



સંયુકત રાષ્ટ્રસંઘ દ્વારા 1992ના વર્ષથી સમગ્ર વિશ્વમાં 3 ડિસેમ્બરના દિવસને વિશ્વ વિકલાંગ દિવસ તરીકે ઉજવવામાં આવે છે. સમગ્ર માનવજાત વિશ્વના દિવ્યાંગો પ્રત્યે સહાનુભૂતિ દાખવે, દિવ્યાંગોનું આત્મગૌરવ વધે, તેમને સન્માન મળે અને સમગ્ર વિશ્વમાં વિવિધ પ્રકારના વિકલાંગતા ધરાવતા લોકોનું કલ્યાણ થાય તે માટે આ દિવસ વિશ્વના દિવ્યાંગોને સમર્પિત કરવામાં આવ્યો છે. જે અંતર્ગત મુન્દ્રાની શારદા મંદિર પ્રાથમિક શાળામાં રાષ્ટ્રીય કિશોર સ્વાસ્થ્ય કાર્યક્રમ હેઠળ યોજાયેલ કાર્યક્રમમાં પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ઝરપરાના સુપરવાઇઝર પ્રકાશભાઈ ઠકકરે વિકલાંગ બાળકોને સરકાર તરફથી મળતા વિવિધ લાભો અને સમાજ કલ્યાણ યોજના વિશેની માહિતી આપી હતી. ઉપરાંત વિકલાંગતા નિવારવા પોલિયોની રસીના બે ટીપા વરદાન રૂપ હોવાનું જણાવી વિકલાંગતાનું સર્ટિફિકેટ, મફત એસટી બસ પાસ અંગે માહિતગાર કરવામાં આવ્યા હતા.
સામુદાયિક આરોગ્ય અધિકારી ખુશ્બુબેન અસારીએ બાળકોની આરોગ્ય તપાસ કરી હતી તથા રમીલાબેન વસરાએ હિમોગ્લોબીનની તપાસ કરી હતી. શાળાના આચાર્ય ચંદ્રિકાબેન પટેલના માર્ગદર્શન હેઠળ યોજાયેલ વકતૃત્વ સ્પર્ધામાં ભાગ લેનાર મહેક ફકલ, જયશ્રી કોલી તથા મનીષ કોલીને ઇનામ આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા. તમામ બાળકોને નોટબુક તથા પેન તેમજ કિશોરીઓને સેનેટરી પેડનું વિતરણ કરવામાં આવ્યું હતું. સમગ્ર કાર્યક્રમનું સંચાલન એડોલેશન હેલ્થ કાઉન્સેલર મહેન્દ્ર વાઘેલાએ કર્યું હતું.
કાર્યક્રમને સફળ બનાવવા ઝરપરા આરોગ્ય કેન્દ્રના જીગ્નેશ પંચાલ, વનીતાબેન રોશીયા તથા શાળાના શિક્ષકો ગાયત્રીબેન ગજ્જર અને મુકેશભાઈ બાવળીયા સહયોગી રહ્યા હતા.